આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આજ રે શામળિયે વહાલે
આજ રે શામળિયે વહાલે અમ-શું અંતર કીધો રે;
રાધિકાનો હાર હરિએ રુક્મિણીને દીધો રે.
આજ રે શામળિયે વહાલે....
શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેર ઘેર હીંડું જોતી રે;
રાણી રુક્મિણીની કોટે મેં તો ઓળખ્યાં મારાં મોતી રે.
આજ રે શામળિયે વહાલે...
જાગતી તો લેવા ના દેતી, કર્મ-સંજોગે સૂતી રે;
વેરણ નિદ્રા મુને આવી, ‘હરિ હરિ’ કરીને ઊઠી રે.
આજ રે શામળિયે વહાલે...
ધમાણ મંગાવું ને ગોળો ધિકાવું, સાચા સમ ખવરાવું રે;
આજ તો મારા હર કાજે નારદને તેડાવું રે.
આજ રે શામળિયે વહાલે...
રાધાજી અતિ રોષે ભરાણાં, નેણે નીર ન માય રે;
આપો રે, હરિ ! હાર અમારો, નહિતર જીવડો જાય રે.
આજ રે શામળિયે વહાલે...
થાળ ભરી શગ મોતી મંગાવ્યાં, અણવીંધ્યાં પરોવ્યાં રે;
ભલે રે મળ્યો નરસૈંયાનો સ્વામી, રૂઠ્યાં રાધાજી મનાવ્યાં રે.