પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
સુદર્શન ગદ્યગુચ્છ - ૨
 

વપરાય છે, અને એ શરીરના ઉપચય દ્વારા માનસિક બલનું પણ પોષણ કરે છે, ત્યાર પછી ૪૦-૪૫ વર્ષ સુધી શરીરની અવસ્થા સ્થિર રહે છે એમ સામાન્ય રીતે કહીએ તો ચાલે, શરીરનો ક્ષય ઘણું કરીને ૪પ વર્ષથી તે પછી ૬૦-૮૦ ૧૦૦ સુધી થયાં જાય છે. આમ શારીરશાસ્ત્રજ્ઞો કહે છે. હવે વિચારવાનું છે કે લગ્ન એટલે શારીરિક બંધારણનો ફેરફાર ખરો કે નહિ ? એ પ્રશ્નનો જવાબ કેવલ સ્પષ્ટ છે, કારણ કે લગ્નનો વ્યાવહારિક હેતુ જે પ્રજોત્પત્તિ તેમાં શરીરમાંના ઉકૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધાતુ(લોહી)નો ક્ષય થાય છે એ સર્વને માલૂમ છે. જ્યારે શરીરના ઉપચયમાં શરીરનું લોહી કામે લાગતું હોય ત્યારે જ તે લોહીને બીજે માર્ગે લગાડવાથી શાં પરિણામ થાય તે જુઓ. શારીર બલની અને તે સાથે મનોબલની ક્ષીણતા. શરીરની હ્સ્વતા, અલ્પાયુષ, નિર્બલ પ્રજા, બીજી ત્રીજી પેઢીએ નિર્વંશ વગેરે. આની સાથે સંસાર ખટલામાં પડેલાં બાલકની શીખવા વગેરેની નાના પ્રકારની અશક્તિ અને તેથી ઉત્પન્ન થતું મરણ પર્યંતનું દુઃખ એ તો આપણે હિસાબમાં લેખ્યાં નથી. આ ઉપરથી એક વાત તો સિદ્ધ થઈ કે જ્યારે શરીરનો ઉપચય થઈ રહે અને લોહીને બીજું કર્તવ્ય ન રહે ત્યારે જ તેને અન્યમાર્ગે (પ્રજોત્પત્તિ) ચઢાવવું, અર્થાત્ સ્ત્રીઓએ ૧૬ વર્ષે અને પુરુષોએ ૨૫ વર્ષે લગ્ન કરવું જોઈએ. સ્ત્રીઓના સંબંધમાં હજુ એક રહસ્યવિચાર બાકી છે. સ્ત્રીઓના ગર્ભાશયમાં ઈંડાં તૈયાર થાય છે ને તેથી જ ઋતુસ્ત્રાવ તથા ગર્ભાધાન સંભવે છે, એમ શારીર શાસ્ત્રનો અભિપ્રાય છે. શારીરવિદ્યાનો સિદ્ધાંત છે કે પાકી ઉમરે પહોંચ્યા વિના આ ઈંડાં જોઈએ તેવી સ્થિતિમાં તૈયાર થતાં નથી, ને એમ નથી હોતું ત્યારે પ્રજોત્પત્તિ મન માનતી રીતે સબલ કે શક્તિમાન નીવડતી નથી. કોઈ કોઈ વાર તો આ ઇંડાં પેદા થતાં પહેલાં સંસર્ગ થવાથી ગર્ભાશયની સ્થિતિ બગડે છે ને વંધ્યપણાના અસહ્ય દુઃખથી સ્ત્રીપુરુષને મરણપર્યંત પીડાવું પડે છે. આ પ્રમાણે વિચારતાં સ્ત્રીઓએ પૂર્ણ વય થતાં પહેલાં લગ્ન કરવું હાનિકારક જણાય છે. હજુ એક બીજી બાબત વયના સંબંધમાં માત્ર કહેવી જ જોઈએ ને તે એ છે કે સ્ત્રીનો પતિ તેના કરતાં ૮-૯ વર્ષે મોટો જોઈએ.

આ ઠેકાણે શંકા ઊઠે છે કે ૧૬ વર્ષે સ્ત્રીઓને લગ્ન કરવાનું કહ્યું, પણ આ તો કલિકાલ છે એમાં બાર બાર વર્ષની કન્યાઓ ગર્ભ ધરે છે તેનું કેમ ? સત્ય છે. કદાચિત્ બાર વર્ષે પણ ગર્ભ રહેતો હશે. પરંતુ પ્રથમ કહેવું જોઈએ કે એ કાંઈ સામાન્ય નિયમ નથી. એ એક અનિયમિત ચમત્કાર માત્ર છે. જેમ