પૃષ્ઠ:Narmad Lekhan.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સ્ત્રીકેળવણી


જ્ઞાનબળથી આપણે બીજાં પ્રાણીઓ કરતાં ઉંચાં છીએ. કેળવણીથી જ્ઞાનબળ પ્રાપ્ત થાય છે. માણસમાં સ્ત્રી પુરુષ બંને છે. સ્ત્રીના હક્ક ઘણા ખરા પુરુષ જેટલા જ છે. પુરુષોની માફક સ્ત્રી પણ કેળવણી લઈ શકે છે. માટે જેમ આપણે પુરુષ હક્ક સમજી કેળવણીથી જ્ઞાનબળ વધારીએ છીએ તેમ સ્ત્રી સહાયરૂપે આપણા બળમાં વધારો કરે છે. ભણેલી સ્ત્રી પરમ મિત્ર રૂપે સુખદુઃખની વાતો કરવાની લહેજત વધારે છે ને દુઃખ દૂર કરે છે. ભણેલી સ્ત્રી પ્રિયારૂપે રસભર્યું સુખ વધારે ને વધારે આપ્યા કરે છે. જ્યાં રાજા અને પ્રધાન બંને ભણેલા ને સુઘડ હોય ત્યાં રાજાના ઉત્કર્ષ વિશે પૂછવું જ શું? જ્યાં કેળવણીથી સરખાપણું શોભતું હોય છે ત્યાં જ સ્ત્રીપુરુષનાં મન એકબીજા સાથે મળે છે.

મિથ્યા કેટલાએક જણ કહે છે કે સ્ત્રીજાત પુરુષજાતથી ઊતરતે દરજ્જે છે ને તેની દાસી છે. મિથ્યા કેટલાએક કહે છે કે તેનામાં મોટું જ્ઞાન મેળવવાનું સામર્થ્ય નથી. મિથ્યા કેટલાએક કહે છે કે જ્યારે તેઓ શીખવામાં વખત ગાળશે ત્યારે તેઓ પોતાનો ઘરધંધો ક્યારે કરશે ને તેઓ શું મરદનો ધંધો કરશે? ને મિથ્યા કેટલાએક કહે છે કે તેઓ કેળવણી લીધાથી બગડશે – તેઓમાં સ્વતંત્રતાનો જુસ્સો વધ્યાથી તેઓ અમર્યાદ થશે – તેઓ નઠારી ચોપડી વાંચી બગડશે. લખાણની મારફતે સહેલથી કુકર્મ કરશે. કેળવણી તો દુર્ગુણને કહાડનારી છે. કેળવણીથી બગાડો થતો હોય તો તે પુરુષે પણ ન લેવી જોઈએ. હું તો કહું છું કે પુરુષના કરતાં સ્ત્રીનું મન વધારે કોમળ છે માટે એના ઉપર ભણતર ને નીતિની છાપ બાળપણથી પડે તો તે કદી પણ જાય નહીં. વળી સ્ત્રીનો સ્વભાવ જન્મથી જ નઠારો અને ન સુધરે તેવો હોય તો જે સ્ત્રીઓએ પુતાના વિદ્યા સદગુણથી મોટાં નામ મેળવ્યાં છે તેને વિશે શું કહેવું? હાલમાં પણ આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓ શીખી શકે છે. લખતા આવડેથી દુરાચાર કરશે એ કહેવું પણ નિરર્થક છે. લખવુ વાંચવું એ કંઈ કેળવણી નથી પણ તેના સાધન છે. એથી જ્ઞાન વહેલું ને સારું પ્રાપ્ત થાય છે ને બીજાંને આપી શકાય છે. વારુ, હું પૂછું છું કે લખતા નથી આવડતું તે સ્ત્રીઓ કુકર્મ નથી કરતી? કુકર્મ કરવા એને લખવા વાંચવા સાથે કશોય સંબંધ નથી. નીતિના બોધની ખામીથી અને નઠારી સંગતિથી કુકર્મ થાય છે એ કહેવુ ખરું છે. જે સ્ત્રી નીતિની કેળવણી લેશે તે કુમાર્ગે જશે જ નહીં. લખવા વાંચવાથી કાળા કર્મ કરનારી સ્ત્રી કંઈ કેળવણી પામેલી કહેવાશે જ નહીં. સ્ત્રીઓને શીખવી તેમની પાસે પુરુષના કામ જરૂર જાણી કરાવવા એમ