પૃષ્ઠ:Nhana Nhana Ras 1922.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગિરિવર શા જોગી પણ ડોલી જશે રે,
ઉઘડશે પાતાળનું દ્વાર જો !
એવી પાપની પળથી ઉગારજો રે.

એક પાંખે લખ્યાં ઉંચાં ઉડવાં રે,
એક પાંખે લીધ ધર્મનો હાર જો !
એક કરમાં ધર્યો અમૃતદીવડો રે,
તમ મુદ્રા મંહી જગઉદ્ધાર જો !
અદ્‌ભુત દર્શનથી હરી આંખડી રે.

એક મીટમાં પૃથ્વીનું વિરામવું રે,
એક મીટમાં ઉઘડવાં સ્વર્ગ જો !
તમ વદને ગેબી એક હાસવું રે,
મૂર્તિમાં ધર્મરાયનાં ભર્ગ જો !
મંગલ દર્શનથી મનડું ઠર્યું રે.

નથી સત્કાર્યો, નથી સેવા કરી રે,
આપ્યું એક નમન પદ માંહિ જો !
ક્‌હેજો નમન વળી મહારાજને રે,
દેજો દેવકુલોને સાંઇ જો !
વીનવજો વગડે નવ વીસરે રે.

બાંધી બાંધી દિશાઓ સરી જતી રે,
પન્થ અજવાળે શશિયર ભાણ જો !
ઢોળે તેજની અંજલિઓ તારલા રે,
ત્ય્હાં થઇ કરજો મધુર પ્રયાણ જો !
મીઠડા પન્થ પ્રભુ દરબારના રે.