આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
સારસના શબ્દ
સન્ધ્યા ઉજાસ ભરી નમતી જતી, સખિ! વૈશાખનીઃ
મનોહરી સુશીતલ શાન્ત, હો સખિ! વૈશાખની.
આવી ફરીને દિન મેદિની, સખિ! વૈશાખનીઃ
ઉભી રજનીને કાંઠડે એકાન્તઃ હો સખિ! વૈશાખની.
વનમાં વિરામતી વિભૂતિઓ, સખિ !વૈશાખનીઃ
નદી છવરાતી છાછરનીરઃ હો સખિ! વૈશાખની.
નિર્મળ ઝૂકી નભની ઘટા, સખિ! વૈશાખનીઃ
જલે છાયા ડૂબેલી ગંભીરઃ હો સખિ! વૈશાખની.
વાયુની લહરી થંભી હતી, સખિ! વૈશાખનીઃ
હતી થંભી હઇડા તણી આશઃ હો સખિ! વૈશાખની.
પોઢી'તી સાયંસમાધિમાં, સખિ! વૈશાખનીઃ
જડ ચેતન સૃષ્ટિની સુવાસઃ હો સખિ! વૈશાખની.
એવે એક સારસબેલડી, સખિ! વૈશાખનીઃ
આવી ટહુકી અમારી પારઃ હો સખિ! વૈશાખની.
અને જાગી જગત રસચેતના, સખિ! વૈશાખનીઃ
રહી વરસી જ્યોત્સના કેરી ધાર! હો સખિ! વૈશાખની.