આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
આવો આવોને સખિઓ ! આજ રસતાળી પાડી
કાંઇ ગજવો આપણે બ્હેન ! આ ગુર્જર વાડી.
હરિણી શી ચંચળ વાન, નાજુક ને નમણી,
ફૂલની કળી સમ સુકુમાર સૂરતની રમણી!
છબિ છટા ભરી, સોહાગ તપે મુખ, મુગ્ધઉરા,
શુભ વડોદરાની વેલ સરિખી ઓ ચતુરા!
રૂડી ઠરેલ બુદ્ધિવિશાલ સ્હમજુ ને રાણી,
મુજ અમદાવાદની બ્હેન! ઘરરખુ ઓ ગૃહિણી!
નિજ ઉરના વિવિધ વિલાસરંગે રંગેલી
મુંબઈની મોહનરૂપ સખિ ઓ અલબેલી.
અમૃત શા મીઠ્ઠા બોલ, પણ જ્ઞાને અધુરી,
ઓ કોકિલકંઠી નાર હાલારની મધુરી !
છો સુન્દર રસિક ઉદાર, સહુ ભગિની આવો,
ગુર્જર જનનીની જેહ કુંવરીઓ ક્હાવો.
જ્ય્હાં સિંહણ નિજ સન્તાન ધવરાવે જાળે,
જ્યહાં સાગર ઉછળે નીર મોતીની પાળે;
જ્ય્હાં પ્રેમભક્તિનાં ગાન ભક્તજને ગાયામ્,
જ્ય્હાં સ્થળસ્થળમાં ઇતિહાસ શૂરના સોહાયા;