પૃષ્ઠ:Nhana Nhana Ras 1922.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩3
સોણલાં

સ્નેહીનાં સોણલાં આવે, સાહેલડી !
ઉરના એકાન્ત મ્હારા ભડકે બળે :
હૈયાનાં હેત તો સતાવે, સાહેલડી !
આશાની વેલ મારી ઊગી ઢળે. ધ્રુવ

ચ્‌હડ્યું પૂર મધરાતનું, ગાજે ભર સૂનકાર :
ચમકે ચપળા આભમાં,
એવા એવા છે પ્રિયના ચમકાર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મ્હારા ભડકે બળે.

ઝરમર ઝરમર મેહુલો વરસે આછે નીર:
ઉન્હે આંસુ નયનો ભીંજે,
એવાં એવાં ભીંજે મારા ચીર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મ્હારા ભડકે બળે.

અવની ભરી, વનવન ભરી ઘૂમે ગાઢ અન્ધાર :
ઝબકે મંહી ધૂણિ જોગીની,
એવા એવા છે પ્રિયના ઝબકાર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મ્હારા ભડકે બળે.