પૃષ્ઠ:Nhana Nhana Ras 1922.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


૪.
સૂનું સૂનું આભ આંગણું,
ને વળી સૂની સંસારની વાટ રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે:

માથે લીધાં જળબેડલાં,
હું તો ભૂલી પડી રસઘાટ રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે:

૫.
સૂની સૂની મ્હારી આંખડી
ને પેલો સૂનો આત્માનો આભ રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે:

પ્રીતમ ! પ્રેમ કેમ વીસર્યા?
એવો દીઠો અપ્રીતમાં શું લાભ રે?
સ્નેહધામ સૂનાં સૂનાં રે.

૬.
સૂનાં સૂનાં ફૂલે ફૂલડાં,
મ્હારાં સૂનાં સિંહાસન, કાન્ત રે!
સ્નેહધામ સૂનાં સૂનાં રે:

આંબાની ડાળી મ્હોરે નમી,
મંહી કોયલ કરે કલપાન્ત રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે.

૭.
સૂનો સૂનો મ્હારો માંડવો,
ને ચારૂ સૂનાં આ ચન્દની ચોક રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે: