પૃષ્ઠ:Nhana Nhana Ras Part-3.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૩

અને એવા બીજા આ સંગ્રહમાંના કેટલાએક રાસો Ballads છે. Ballads આપણે ત્ય્હા લખાતાં, ને આપણે એમને રાસડો કહેતા. સૂરજમલનો વીરરંગીલો રાસડો, બા કુંવરબાનો કરૂણછાયાળો રાસડો આપણું પ્રાચીન Ballad છે. બ્હારવટિયાઓના અદ્ભુત ઐતિહાસિક પ્રસંગોના એવા પ્રાચીન રાસડા શોધનારને પ્રાચીન સાહિત્યમાંથી ઘણા જડશે. એમનાં લેખકલેખિકાઓ, પેલા આંગ્લકવિઓએ ગાયેલા છે. એવાં, અજ્ઞાત, અને સદાકાળ અજ્ઞાત રહેવાને સરજાયેલાં, વનમા ખીલી વનમા પમરી, વનમાં કરમાતાં વનફૂલડા સમા કાવ્યફૂલડાં હોય છે.

ગુજરાતણ 'ત્હારી સાડી રસિક સલજજ મર્યાદાશીલ, અને તેથી અજોડ, નારીપરિધાન છે અને એવા ત્હારા રામ છે. ત્હારે ટહુકે ત્હારો જુગ જાગે છે ને ત્હારૂં જગત જાગે છે.

જુગજુગની વાતો રે ક્‌હાનડ ! ત્હારી બંસી મંહી.

પેલા ક્‌હાનડની બંસીની પેઠે ત્હારી રાસબંસીમાં યે જુગજુગની વાત છે. એ સહુને એવા જ રસિક સલજ્જ મર્યાદાશીલ, અને એથી અજોડ, સદા રાખજે. સાગરને કાંઠે કાંઠે વેલ ઉગે છે, માગરવાસીએ એને મર્યાદાવેલ કહે છે. મર્યાદાવેલની પાછળ જોગીવેશધારી રાવણરાયથી યે સીતાજી અનભેવાસી હતાં. માઝા ન મૂકે એ સાગર; રસની માઝા ન મૂકે એ સૌન્દર્યરાણી સુન્દરી.

ચૈત્રી પડવો, વિ. સં: ૧૯૯૩


ન્હાનાલાલ દલપતરામ કવિ