પૃષ્ઠ:Niharika.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તરીકે એમનાં લખાણો માટે પડાપડી કરનાર તંત્રીઓને શ્રી. રમણલાલ કવિ પણ છે એ ખ્યાલ સુધ્ધાં ન આવ્યો. ૧૯૩૪ની આખરે એક દિવસ વાતવાતમાં મેં સહેજ પૂછ્યું કે ‘તમે છંદોબદ્ધ કવિતા કેમ નથી લખતા ?’ એમણે તુર્ત જ મને ‘ધૂમકેતુ’ અને ‘જલિયાંવાલા’ સંભળાવ્યું. શ્રી સુન્દરમ્‌નું ‘ધૂમકેતુ’ કાવ્ય મારા મનમાં તાજું જ હતું. શ્રી. રમણભાઈનાં કલ્પના અને નિરૂપણ મને ખૂબ ગમ્યાં અને ‘જલિયાંવાલા’ ની છેલ્લી કડી તો કૅમ્પથી ઘેર આવતાં ફેરવી ફેરવીને અનેક વાર મનમાં યાદ કરી. ત્યાર પછી વચ્ચે સંજોગો બદલાયા અને હાથમાં લેવા ધારેલું પ્રકાશન છેક ૧૯૩૫ આખરે ગુજરાત સમક્ષ મૂકી શકું છું.

શ્રી. રમણભાઈએ છંદોબદ્ધ કાવ્યો કરતાં લયબદ્ધ સંગીત- કાવ્યો વધારે લખ્યાં છે. એમનું રુચિતંત્ર જ સંગીતપ્રિય છે અને છંદરચનામાંથી પણ કોઈ કોઈ વાર સંગીતપ્રધાન રચના તરફ ઢળી જાય છે. પરંતુ બંને પ્રકારમાં કલ્પનાની ભવ્યતા અને પ્રસાદ એકસરખાં ભર્યા છે. સુકોમળ પ્રેમાળ દિલનો ગૂઢ ચિંતનમાં પણ ઊર્મિ આવેશ તરફ વધારે ઝોક હોય છે; શ્રી. રમણભાઈ પહેલેથી જ શ્રી. ન્હાનાલાલની કાવ્યસમૃદ્ધિના પ્રશંસક હોઈને ‘નિહારિકા’માં સંગ્રહાયેલી એમની કૃતિઓમાં વિચાર કરતાં ઊર્મિનું પ્રાધાન્ય વિશેષ લાગે અને પરિણામે અત્યારની નવી કવિતાથી એ જુદી પડી આવે, એમ બનવા સંભવ છે.

પરંતુ એનો નિર્ણય અને મૂલ્યાંકન કરવાનું કામ વિવેચકોને માટે રહેવા દઈ, ‘નિહારિકા’ને ગુજરાત સમક્ષ મુકતાં મિત્રધર્મ અદા કર્યાનો આત્મસંતોષ માની લઉં છું.

મૂળશંકર સોમનાથ ભટ્ટ