પૃષ્ઠ:Palkara.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
પલકારા
 

એ યૌવનના મુક્ત હાસ્યે ચિરાડો પાડી દીધી, કોઈ અંધારગુફાનાં ચામાચીડિયાં જાણે થરથરી ઊઠયાં.

“મૈયા ! તમે મહાપાપ કર્યું છે. એનું પ્રાયશ્ચિત અતિ આકરું પડશે. તમે નરકનાં દ્વાર ખખડાવી મૂક્યાં છે.” વડાં મૈયાના એ શાપ-શબ્દોએ આખી મંડળીને સ્તબ્ધ કરી દીધી.

ધીરે ધીરે એ હાસ્ય કરનાર જુવાન સાધ્વીનો ઉચ્ચાર આવ્યો : “મૈયા ! ક્ષમા કરો.”

એક પછી એક પડઘા ઊડ્યા : “મૈયા ! ક્ષમા કરો.”

ભદ્રભાવે શોભતાં નાનાં ગોરાણી પણ સહુની વહારે ચડયાં : “મૈયા ! એ. બાપડીને ક્ષમા કરો.”

માફી અપાઈ અને એક દિવસને માટે શાસ્ત્રપાઠમાંથી સહુને મુક્તિ મળી..

(4)

ચારેય બાળબ્રહ્મચારિણી યુવાન સાધ્વીઓ, બીજાં સહુથી છૂટી પડી જઈ, દરવાજા પાસેનાં ખંડમાં કૂદાકૂદ કરતી આવી. એકાંતની અંદર એ ચારેય જણીઓ સાધ્વી મટી જઈને ફરી એક વાર જાણે જોબનને હીંડોળે ઝૂલવા લાગી. તેઓની કામણભરી મોટી આંખો ઊંચ-નીચે અને આજુબાજુ ચકળવકળ થઈ રહી. ચારેયના દેહમાં થનગનાટ ચાલ્યો. પરસ્પર પ્યાર કરતી ચાર કિન્નરીઓ જેવી એ એકબીજાના હાથમાં હાથ પરોવીને ટેબલની આસપાસ બેઠી. વાર્તાલાપ ચાલ્યો :

“મૈયા ! પ્રથમ તમારી વાતો કરો.”

“ના ...મૈયા ! પહેલાં તમારી કથા કરો.”

“નહિ નહિ, મારે કહેવા જેવું કશું જ નથી.”

“હં, બડા પાજી છે ...મૈયા ! તમારી આંખોમાં તો કંઈક કથાઓ લખી છે."

“ને જુઓ જુઓ, હોઠ ઉપર કંઈ કંઈ ભાવો કહું કહું કરે છે.”

“સાચું કહો, અહીં ગમે છે?"