પૃષ્ઠ:Pankaj.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુનર્મિલન : ૨૭
 

સારી નામના હતી. પરંતુ તેમના નામોચ્ચાર સાથે તેમના કૌટુમ્બિક જીવનની અગમ્યતાને સહુને ભાસ થતો. કેટલાક માનતા કે તેઓ પરણ્યા જ નહોતા; કેટલાક એમ ધારતા કે તેઓ વિધુર છે; વળી કેટલાક એમ પણ સૂચવતા કે તેમની પત્ની નાસી ગઈ છે; અને કેટલાક એમ ખબર લાવતા કે તેઓ જાતે જ તેમની પત્નીથી નાસી છૂટ્યા છે ! આ હકીકતો છૂટી છૂટી અગર ભેગી મળી વિનોદરાયના ગાર્હસ્થ્યને એક ભેદ બનાવી મૂકતી. વિદ્યાર્થી સિવાય તેમને કોઈ મિત્રો નહોતા. અને મૈત્રી વગર આ ભેદનો ઉકેલ કોઈથી થઈ શકે એવો નહોતો. વિનોદરાય પરણેલા છે કે નહિ તે જાણવાની વિદ્યાર્થીઓને બહુ ઓછી દરકાર રહેતી. તેમનું આછું કુતૂહલ વિનોદરાયમાં દોષ જોવા પ્રવૃત્ત થતું નહિ.

એમના માણસને પૂછીએ. એને ખબર હશે. શિક્ષકે કહ્યું અને ધીમે ધીમે રહી તેમણે વિનોદરાયના રસોઈયાને બોલાવ્યો.

'રવિશંકર ! તું સાહેબ પાસે કેટલાં વરસથી છે?'

'પંદરેક વરસ થયાં સ્તો.' રસોઈયાએ જવાબ દીધો.

'સાહેબને મા કે બહેન છે?'

'ના જી.'

'સાહેબને વહુ છે?' !

રસોઈયો ચમક્યો. તેણે શિક્ષક તેમ જ ડૉક્ટરની સામે વિચિત્ર મુખ કરી જોયું અને પૂછ્યું :

'શું કામ છે?'

'અરે શું કામ છે ? જોતો નથી ? સ્ત્રીની સારવાર વગર મટવું મુશ્કેલ છે. ચાલ, તાર કરીને બોલાવો હમણાં અને હમણાં.” ડૉક્ટર ગર્જ્યા.

વિનોદરાયની બેભાની ચાલુ જ હતી. શિક્ષકે તાર લખવા એક કાગળ લીધો અને રસોઈયાને કહ્યું :

'સાહેબનાં વહુનું સરનામું લખાવ.'