પૃષ્ઠ:Pankhadio.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભૂલાય તો ભલે, પણ છટા ન ભૂલવી’ એ એનું ખેલનું સૂત્ર હતું.

આજે ઇન્ટરકોલેજીયેટ ટૂર્નામેન્ટ હતું એટલે વિદ્યાર્થિણીઓને લઈને પ્રમોદ ટેનિસ કોર્ટ ઉપર જતો હતો. એના વિરોધીઓ કહેતા કે વિદ્યાર્થિણીઓ સંગાથે જવાથી સન્માન ને સારૂં સ્થાન પમાય; માટે એ યુવતિઓનો સંગાથ શોધતો.

કોલેજનો નિયમ પાળીને નહિ, નિયમ ભંગ કરીને એ છાપ પાડતો. કોઈપણ નિયમભંગને એ કલાકારની સ્વતન્ત્રતા કહેતો, કોઈપણ નિયમપાલનને એ કલાકારની પરતન્ત્રતા કહી ઉપહાસતો.

જ્ય્હાં જવાનો અધિકાર ન હોય ત્ય્હાં તે જાય ત્યહારે ત્‍હેને કળ વળતી. ખાનગીમાં પ્રોફેસરોની ખુશામત કરતો એટલે જાહેરમાંની એની કેટલીક ઉદ્ધતાઈ તેઓ નિભાવી લેતા.

સોશિયલ ગેધરિંગમાં ગાંડાનો કે વિદૂષકનો ભાગ એ ભજવતો. ચિત્રકલા ઉપરના એના ભાષણે તો કમાલ કરી હતી; કારણ કે નાનાવિધનાં પચાસેક પાંદડાંઓ વીણી લાવી ત્‍હેમનું પ્રદર્શન કરીને એણે સિદ્ધ કીધું હતું કે કોલેજમાંની એક ચિત્રકારિણી સરજનહાર કરતાં યે મ્હોટી કલાધીશ્વરી હતી.

કોલેજમાંના ઉગતા કવિઓનો પ્રમોદ Patron હતો. એમનાં વીણેલાં કાવ્યોનો સંગ્રહ ઉપોદ્‍ઘાત ને વિદ્વદ્‍ટીકા સાથે, છપાવવાની પ્રમોદ પ્રવૃત્તિમાં હતો.

૫૧