પૃષ્ઠ:Pankhadio.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે બ્રહ્મચારી હતા.

વસ્તી વચ્ચે દેવમન્દિર હતું ને એ દેવમન્દિરમાં તે રહેતા. સ્હવારે ને સ્હાંજરે નગરમાર્ગો ઉપર થઈ નદીએ તે ન્હાવા જતા ત્ય્હારે ભરવસ્તીમાં એની આંખે ઉંચી થતી કોઈએ દીઠી નથી; નગરમાર્ગો ઉપર એનું પોપચું એ ફરકતાં કોઈએ જોયું નથી.

બાલ સૂર્ય સમી એની કાન્તિ હતી: ધ્રુવ તારલા જેવાં નયનો હતાં: આરસની છાટો જેવાં અંગ હતાં. ફૂલમાંથી સુગન્ધ સ્ફુરે એવી એના અંગ-અંગમાંથી સાધુતા ફોરતી.

નગરના સાધુઓ એની વન્દનાએ આવતા. કોઈ વન્દે એથી સવાયું નમીને એ વન્દતા. લોક ચરણવન્દનાએ આવતાં; પોતે સ્હામી લોકની ચરણવન્દના લેતા ને જનતાને એમ શરમાવતા. દર્શને આવતાં ત્હેમને એ કહેતા કે દર્શન તો પરસ્પરનાં છે.

ધન એને ધરાતું નહિ. એ કહેતા સંન્યાસીને સોનું એ અંગારા છે, અડકે એનો સંન્યાસ દાઝે. ફળફૂલ લોક ધરતું તે સહુ એ બાળકોને વ્હેંચી આપતા. એની ઉદારતા અઢળક હતી. લોક કહેતા એના માદળિયામાં જાદુ છે.

૯૫