પૃષ્ઠ:Pankhadio.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નીરવ પગલે ચન્દ્રકિરણો પાંદડાંઓનાં ઝૂમખાઓમાં રમતાં ને જગતને રમાડતાં.

દહેરીમાં એ એકલવાઈ સ્થંભછાયા લગ્નકીધાં દંપતી સમી ઘડીક પછી સજોડ થઈ; ને ક્ષણેક પછી ત્રિશૂળના ત્રણ ફણગા એ સ્થંભછાયામાંથી ઉગી નીકળ્યા. બીલીપત્ર સમી છાયાસ્થંભની ત્રણ પાંખડીઓ સ્ફાટિક દહેરીના ચોકમાં પડતી.

બ્રહ્મચારી ચમક્યા કે આજે ચમત્કારોની રાત્રી છે કે શું?

આંખો ચોળી, પૂરી ઉઘાડી; નિદ્રાની છાયા તન્દ્રાને ય ત્યાગી. જોયું તો વચ્ચે મોરલાનો કલગીસોહન્તો કંઠ ને પડખે રતનજડી બે આંખો પ્રસરેલી દીઠી.

નજર ઠરાવી નિરખ્યું તો સોળે શણગાર સજેલી બે સુન્દરીઓ સ્ફટિકસ્થંભને બે પડખે બે પાંખો સમી ઉભી હતી.

બ્રહ્મચારી સાફળા ઉઠ્યા. વીજળી યે ધીરી વહે છે; એથી યે વેગવન્તા ભાવે પ્રથમ તો એવું કલ્પ્યું કે વ્રત-તપથી-બ્રહ્મચર્યના સંયમથી પ્રસન્ન થઈને નવરાત્રીની છેલ્લી રાત્રીએ ભ્રદ્રકાળી ને મહાકાળી, બે બિરદાળી જોગમાયાઓ, જાણે બિરદ આપવાને પધારી હોયને!

એમાંથી કે છાયા બોલી; બીજી અબોલ હતી. મોતીને દાણે દાણે જ્યોત ઝબકે એમ એને બોલે બોલે વિલાસના વર્ણો ઝબકતા.

૧૦૩