પૃષ્ઠ:Pankhadio.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અણકલ્પ્યા આ નવસંસારદર્શને મુગ્ધા તો ડધાઈ જ ગઈ હતી. એકલવાયી સારસી સમી હૈયું ભૂલીને દર્શનમૂર્છામાં તે ઉભી હતી.

ધમધમ કરતી, દુન્દરીના ઘૂઘરિયાળા ચરણાની સુકુમાર રમઝટે ગાજતી, રાત્રી રાણી આ અદ્ભુતો નિહાળતી નિહાળતી બ્રહ્માંડવનની ચન્દનીમાં વિહરતી હતી. કેટલાંકને સાંભળવે આશ્ચર્ય થશે: પણ આવાં આવાં કંઈ કંઈ આશ્ચર્યો રાત્રી રાણી નિત્યે ને નિત્યે નિરખે છે ને હૈયામાં સંચે છે. રાત્રી રાણીના વિશાળા હ્રદયભંડાર ક્યહારે ય જો ઉઘડે તો જગત એક વેળા તો મોહમૂર્છાથી યે વડેરી આશ્ચર્યમૂર્છામાં પડે.

તારાઓ યે આઘેના સૂર્ય છે. સૂર્ય સમા એ કેમ ઝળહળતા નથી ? ને ઝંખવાય છે? કારણ એ પણ કેમ ન હોય કે રાત્રી રાણીના અન્તર્લેખ વાંચી-વાંચીને એ ઝંખવાતા હોય?

'બાળાઓ ! જાવ. આ તો બ્રહ્મચારીની દ્‌હેરી છે.'

એ શબ્દે ક્ષણેક ચન્દની યે થરથરી.

'આ યે બ્રહ્મચારિણી છે, માટે બ્રહ્મચારીની દ્‌હેરીએ પધારી છે.' એ કલારસિયેણ યુવતિ ઉચ્ચરી.

એ તો ન્હાસી જ ગઈ; મુંગી, અબોલ, કંઈ કંઈ હૈયાછોળો ઉછાળતી, પાંખો જેવો પાલવડો ઉડાડતી એ મુગ્ધા તો ન્હાસી જ છૂટી. ક્રોધ કે તિરસ્કાર કરવા કાજે યે એને આ પ્રસંગ અજુગતો લાગ્યો. એનાં સંસારના સ્વપ્ન નિરાળાં હતાં.

૧૦૫