પૃષ્ઠ:Pankhadio.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગિરિછાયામાં

ગુજરાતના ગિરિવરોમાં એ ઉછરતી હતી. નિત્યનિત્ય ગિરિરાજનાં દર્શન કરીકરીને એનો આત્મા ગિરિરાજ શો અચલ ને અડોલ ઘડાતો હતો.

લોકવાણવિખ્યાત તે ચંચળ વાયુલહરી ન હતી; કે ત્હેનો મનોનિગ્રહ ક્ષણક્ષણ પલટાતી પેલી વીજળી જેવો યે ન હતો. ઉજળી દૂધ જેવી, પણ તે આરસની મૂર્તિ હતી. વજ્રને યે વીંધે એવો હીરાકણી શો એનો આત્મન્મણિ હતો.

ગિરિશૃંગે ક્ય્હારેક તે ઘૂમતી ત્ય્હારે આકાશી ભાવનાઓ એના આત્મામાં ઉભરાતી. સુવર્ણરેખાનાં તીર્થજલમાં ન્હાવા જતી ત્ય્હાં પવિત્રતા એના આત્માને પોષતી. કળવાને ધરે જલબેડલું લેઇ જલ ભરવા જતી ત્ય્હારે ત્હેને कालोॾस्मि ની ભવ્યતા વધાવતી. વનવાડીઓમાં મયૂરી શી એ વિચરતી ત્ય્હાં હરિની સૌન્દર્યલીલા એને શણગારતી.

ફૂલપાંખડી જેવી સુન્દર તે હતી એટલું જ નહિ; દેવપુષ્પ સમી સદ્‌ભાવનાની સુગન્ધભરી તે હતી એટલું જ નહિ; કુદરતની કલિકા જેવી રસમ્હેકન્તી ત્ય્હારે તે હતી એટલું જ નહિ; તે ગુર્જર કુમારિકા પવિત્રતાની પ્રતિમા ને કૌમારની સુકુમારતાની પરમ તારલી હતી.

૧૦૯