પૃષ્ઠ:Parkamma.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ ત્રીજું
૧૮૫
 


આ વાત નથી. આ તો એક પ્રત્યક્ષ સાહેદે પૂરો પાડેલ પુરાવો છે. દ્વારકાથી આગળ વધી હું બેટ શંખોદ્ધાર ગયો હતો. પોણોસો વર્ષના ભાટીઆ રતનશીભાઈનું ઘર મને લોકોએ ચિંધાડી દીધું. છૂટી પાટલીએ પહેરેલ પોતડી, કસોવાળી સફેદ પાસાબંડી, ખભે ઘડી પાડેલ ખેસ, માથે ગાંધી ટોપી : પાતળી ઊંચી દેહ-કાઠી અને રણકો કરતો કંઠ આજે પણ સાંભરે છે. એકલ પંડ્યે હતા. દીકરો દેશાવરે. રોટલા કરી દેવા માટે, હજુ તો ફક્ત વાગ્દત્તા સ્થિતિમાં હતી તો પણ દીકરાની વહુ સાસર-ઘેરે આવી રહી હતી. રતનશીભાઈએ ઊછળી ઉછળીને, નજરે દીઠેલી વાઘેર-બળવાની પ્રવાહબદ્ધ વાત કહેવા માંડી. નજરે દીઠેલ, કારણ કે પોતે, પોતાના પિતા લધુભા, ને પોતાના દાદા રામજીભા, ત્રણે એ કાળ–નાટકનાં પાત્રો હતા. પાંચ-સાત વર્ષનું એનું બાળપણ વાઘેર-બળવાની વિગતો સંઘરીને સીતેર સંવત્સરોથી એ બુઢ્ઢા દેહમાં લપાયું હતું. એ પાંચ વર્ષના શિશુની આંખો અને સ્મરણ શક્તિ નીચે મુજબ બોલી ઊઠી ને મેં ટપકાવી લીધું—

‘સેન નાંઇ થિન્દો ?’

મારા દાદા રામજીભાઇનાં ખોરડાં દ્વારકામાં હતાં. વસઈવાળા વાઘેરોએ અમરાપર વાળા જોધા માણેકની અને બાપુ માણેકની વિરુદ્ધ ગાયકવાડના મરાઠા વહીવટદાર બાપુ સખારામને કાન ભંભેરી ચડાવ્યો, કે અમે પહેલીવાર તો એ જોધા અને બાપુના ચડાવ્યા તમારી સામે ઉઠ્યા હતા. વહીવટદારે અમરાપરવાળાઓની રોજી બંધ કરી દીધી. એના લશ્કરીઆઓએ અમરાપર જઇ તોફાનો માંડ્યા. મોરલા મારે ને બાઇઓને કાંકરીઉં નાખે. બાઇઓએ મર્દોને કહ્યું કે ‘અસાંજા થેપાડાં આંઈ પર્યો, ને આંજી પાઘડી અસાંકે ડ્યો.’ (અમારા ઘાઘરા તમે પહેરો ને તમારી પાઘડીઓ અમને આપો.)

જોધો આ બધું સહન કરે, પણ બાપુને ઝનૂન ચડ્યું. એણે જોધાને કહ્યું : ‘તોંથી કીંયે નાંઈ થીણું. અસાંથી સેન નાંઈ થિન્દો.