પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬ : પત્રલાલસા
 

તેમને કેટલાક દિવસ થઈ ગયા હતા. મંજરી તરફ તેમણે ધ્યાન પણ ન આપ્યું. અને લક્ષ્મી ભણી જોઈ કહ્યું :

‘તું અહીં ને અહીં જ ભરાઈ રહે છે. તને શાની ખબર હોય કે આજે એક મહેમાન આવવાના છે ?'

આ શબ્દો લક્ષ્મીને ઉદેશીને બોલાતા હતા. કદાચ લક્ષ્મીને માટે જ તે વ્યંગ વપરાતો હોય ! છતાં મંજરીને લાગ્યું કે લક્ષ્મીને સંબોધાતા શબ્દો ખરેખર તેને માટે હતા.

‘મને તે વળી કોણ કહે ?' લક્ષ્મીએ પોતાની પાયરીનું સૂચન કરાવ્યું.

'હું તને કહું છું. મહેમાન મુંબઈથી આવવાના છે.' વ્યોમેશચંદ્ર કહ્યું.

મંજરી ફરી કંપી ઊઠી. તેનો પત્ર સહુએ વાંચ્યો કે શું? કોઈના પત્ર ઉઘાડી, વાંચી ફરી બંધ કરવાની તરકીબ સુધરેલા જમાનામાં અજાણી નથી.

'તે ભલે આવે ! આપણે મહેમાનોની ક્યાં નવાઈ છે ?' લક્ષ્મીએ કહ્યું.

'હં ! મારે તો મારા માણસ પણ મહેમાન બની જાય છે.' આછો તિરસ્કાર મુખ ઉપર વ્યક્ત કરી વ્યોમેશચંદ્ર બોલ્યા. ખરે, મંજરીને તેઓ પોતાની બનાવવા મથતા હતા - કાયદા અને સમાજની દ્રષ્ટિએ તો તે તેમની હતી જ - છતાં મંજરી પત્ની કરતાં એક મહેમાન સરખી વધારે લાગતી હતી. મહેમાનને લાગતું અતડાપણું હોવા ઉપરાંત મંજરીમાં તો તેના પોતાના જીવન પ્રત્યે એક જાતનો વિરોધ વરસતો દેખાતો હતો. મંજરીએ નીચેથી ઊંચે જોયું જ નહિ.

‘તેઓ સાંજે આવશે. સ્ટેશને ગાડી મોકલવાની છે.' વ્યોમેશચંદ્રે સૂચના આપી.

લક્ષ્મીને સમજ ન પડી કે આ બધી સૂચના તેને શા માટે અપાતી હશે.

મંજરીને ઉદ્દેશીને કેટલોક મર્મ આમાં વપરાતો હતો એમ જાણ્યા છતાં તેને વ્યોમેશચંદ્રની લંબાણ સૂચનાઓ માટે આશ્ચર્ય ઊપજ્યું.

‘વખત થશે એટલે ગાડીવાળો જશે.' લક્ષ્મીએ કહ્યું.

‘પણ ગાડીવાળાને કહેશે કોણ? હું તો અત્યારે જાઉ છું.’ વ્યોમેશચંદ્ર બોલ્યા.

'ક્યાં ?' લક્ષ્મીએ પૂછ્યું.

'જહન્નમમાં.' કંટાળીને વ્યોમેશે જવાબ આપ્યો.

'અરે એમ શું? મહેમાન આવે તે દિવસ તો અહીં રહેવું પડે.’ લક્ષ્મી બોલી.