પૃષ્ઠ:Payani Kelavani.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અપેક્ષા રખાય કે, તેમને જે ઇજનેરો જોઈએ તેમને કેળવવા માટે તે રાજ્યની દેખરેખ નીચે એક કૉલેજ ચલાવે. તે જ પ્રમાણે મિલમાલિકોનાં મડળ મળીને પોતાને જોઈતા ગ્રેજ્યુએટો કેળવવાની કૉલેજ ચલાવે, એવું જ બીજા અનેક ઉદ્યોગો વિષે. વેપારને માટે પણ કૉલેજ હોય. પછી 'આર્ટ્‍સ', ડાક્ટરી ને ખેતીવાડી રહ્યાં. આજે કેટલીયે ખાનગી 'આર્ટ્‍સ' કૉલેજો સ્વાવલંબનપૂર્વક ચાલી રહેલી છે. એટલે રાજ્ય પોતાની આર્ટ્‍સ કૉલેજો ચલાવવી બંધ કરે. ડાક્ટરી કૉલેજોને પ્રમાણપત્રવાળાં ઇસ્પિતાલોની સાથે જોડેલી હોય. એ કૉલેજો ધનિકોમાં લોકપ્રિય છે, એટલે તેઓ એ કૉલેજોને નભાવવા માટે સ્વેચ્છાએ પૈસા આપે એવી અપેક્ષા રખાય. અને ખેતીવાડી કૉલેજો સ્વાવલંબી હોય તો જ એનું નામ સાર્થક થાય.મને કેટલાક ખેતીવાડીના ગેજ્યુએટોનો કડવો અનુભવ થયેલો છે. એમનું જ્ઞાન છીછરું હોય છે. એમને વ્યવહારુ અનુભવ હોતો નથી. પણ જો તેમને સ્વાવલંબી ને દેશની જરૂરિયાતો પૂરી પાડનારી વાડીઓમાં ઉમેદવારી કરવી પડી હોય તો તેમને પદવી મેળવ્યા પછી ને જેની નોકરી કરતા હોય એને ખરચે અનુભવ મેળવવાની જરૂર ન રહે.

આ કાલ્પનિક ચિત્ર નથી, ગગનવિહાર નથી. આપણે જો ફક્ત આપણા મનનું એદીપણું કાઢી નાખીએ, તો કેળવણીનો જે સવાલ મહાસભાવાદી પ્રધાનોની અને તેથી મહાસભાઓની સામે આવી ઊભેલો છે તેનો આ બહુ જ વાજબી અને વહેવારુ ઉકેલ છે એમ જણાઈ આવશે.થોડા વખત પર બ્રિટિશ સરકાર તરફથી જે જાહેરાતો કરવામાં આવેલી તેનો અર્થ જેવો કાનને લાગે છે તેવો ખરેખર હોત, તો પ્રધાનોને સિવિલ સર્વીસની સંગઠીત કાર્યશક્તિનો ઉપયોગ તેમની નીતિનો અમલ કરવા માટે મળવો જ જોઈએ. ગમે તેવા મનસ્વી ગવર્નરો અને વાઈસરૉયે ઠરાવેલી રાજ્ય્નીતિને મલમાં ઉતારવાનું સરકારી નોકર વર્ગ શીખેલો છે. પ્રધાનો ઠીક ઠીક વિચાર કરીને ઘડેલી પણ નિશ્ચિત રાજ્યનીતિ નક્કી કરે, અને સરકારી નોકરવર્ગ તેના વતી અપાયેલાં વચનો સાચાં પાડે ને જે લૂણ ખાય છે તેને વફાદાર નીવડે.

પછી શિક્ષકોનો સવાલ રહે છે. વિદ્વાન પુરુષો અને સ્ત્રીઓ પાસેથી ફરજિયાત સેવા લેવી એવો જે વિચાર અધ્યાપક ખુશાલ શાહે પ્રગટ

૧૧