પૃષ્ઠ:Payani Kelavani.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપવાનો અપાર અવકાશ પડેલો છે. અને બાળક એ બધું એનાં મગજ અને સ્મરણશક્તિ પર અનાવશ્યક બોજો પડ્યા વિના કેટલું વધારે જલદી શીખશે!

"એ કલ્પના વધારે વિસ્તારથી વર્ણવી બતાવું. જેમ કોઈ પ્રાણીશાત્રીએ સારા પ્રાણીશાસ્ત્રી થવા માટે પ્રાણીશાસ્ત્ર ઉપરાંત બીજાં ઘણાં શાસ્ત્રો શીખવાં જોઈએ, તે જ પ્રમાણે પાયાની કેળવણીને જો એક શાસ્ત્ર માનવામાં આવે તો તે આપણને જ્ઞાનની અનંત શાખાઓમાં લઈ જાય છે. તકલીનો જ દાખલો વિસ્તારીને કહીએ તો, જે વિદ્યાર્થી શિક્ષક કેવળ કાંતણની યાંત્રિક ક્રિયા પર જ પોતાનું લક્ષ એકાગ્ર નહીં કરે (એ ક્રિયામાં બેશક એણે નિષ્ણાત થવું રહ્યું જ છે), પણ એ વસ્તુનું હાર્દ ગ્રહણ કરશે, તે તકલી અને તેનાં અંગઉપાંગોનો અભ્યાસ કરશે. તકલીનું ચકતું પીતળનું અને ત્રાક લોખંડની કેમ હોય છે એ પ્રશ્ન તે પોતાના મનને પૂછશે. અસલ જે તકલી હતી તેનું ચકતું ગમે તેવું બનાવાતું. એથી પણ પહેલાંની પ્રાચીન તકલીમાં વાંસની સળીની ત્રાક અને સ્લેટનું કે માટીનું ચકતું વપરાતાં.હવે તકલીનો શાસ્ત્રીય ઢબે વિકાસ થયો છે, અને ચક્તું પીતળનું ને ત્રાક લોખંડની બનાવાય છે તે સકારણ છે. એ કારણ વિદ્યાર્થીએ શોધી કાઢવું જોઈએ કે, ચતાંનો અમુક જ વ્યાસ કેમ રખાય છે, તેને ઓછોવત્તો કેમ રખાતો નથી. આ પ્રશ્નોનો સંતોષકારક ઉકેલ આણે ને પછી વસ્તુનું ગણિત જાણે એટલે તમારો વિદ્યાર્થી સારો ઇજનેર બને છે. તકલી એની કામધેનુ બને છે. એની વાટે પાર વિનાનું જ્ઞાન આપી શકાય તેમ છે. તમે જેટલી શક્તિને શ્રધ્ધાથી કામ કરશો તેટલું જ્ઞાન એ વાટે આપી શકશો. તમે અહીંયાં ત્રણ અઠવાડિયાં રહ્યા છો. આ યોજના પાછળ મરી ફીટવા સુધીની તમારી તૈયારી થવા લાગી તમારામાં એ યોજના વિષે આસ્થા આ નિવાસ દરમ્યાન આવી હોય તો તમારું અહીં રહ્યું સફળ ગણાશે.

"મેં કાંતણનો દાખલો વિસ્તારથી સમજાવ્યો છે એનું કારણ એ છે મને એનું જ્ઞાન છે. હું સુથાર હોઉં તો મારા બાળકને આ બધી

૯૯