‘તો હવે ?’
‘હવે શું ? જેવા એમના નસીબ !’ સત્યવતી દુઃખના બોજ નીચે દટાઈ ગઈ હોય એમ બોલી રહી, ‘કોઈ માછી કન્યાની જરૂરત હોત તો તરત જ વ્યવસ્થા કરું પણ કુરુવંશનું એવું ઘોર અપમાન મારાથી કેમ થાય ?’ સત્યવતી સાડીના પાલવડે ભીની આંખો સાફ્ કરતાં કહી રહી, ‘કુરુવંશની વેલ પાંગરશે જ નહિ તેની પણ ચિંતા તો થાય જ ને?’
કુરુવંશની વેલ અટકી પડવાની સત્યવતીએ વ્યક્ત કરેલી ભીતિ દેવવ્રતના દિલને પણ સ્પર્શી ગઈ હતી.
‘તમે તો લગ્ન કરવાના નહિ ને તમારા બે ભાઈઓને કોઈ દીકરી દેવા તૈયાર નથી પછી કુરુવંશનું શું?’ વિચાર ચકરાવે ઘૂમતાં દેવવ્રતના મનોપ્રદેશમાં સત્યવતીએ પ્રશ્ન મૂક્યો.
દેવવ્રત ગંભીર વિચારણામાં ગરક હતો.
હજી પણ સત્યવતી તેને સંભળાવતી, ‘તમે પણ જવાબદાર તો ખરા જ ને ? હું તો જવાબદાર છું જ. મહારાજા સાથે મારે લગ્ન કરવા જોઈતા ન હતા, પણ ત્યારે પ્રેમમાં અમે બન્ને ભાવિ વિષે કાંઈ વિચારી શકતાં ન હતાં. પ્રેમમાં પાગલ બનેલાઓ ભાવિની કોઈ જ ચિંંતા કરતા નથી. પણ તમે ? તમે શા માટે મારા બાપની માંગણીનો સ્વીકાર કર્યો? તમે જો મહારાજાની જેમ મારા બાપની માંગણીનો સ્વીકાર ન કર્યો હોત તો આજની સ્થિતિ પેદા થઈ ન હોત.’
‘તો મારા પિતા પ્રાણત્યાગ કરત !’ દેવવ્રતે જવાબ દીધો ને ઉમેર્યું, ‘પિતા પ્રાણત્યાગ કરે તેના કરતાં દેવવ્રત તમારા બાપની માંગણીનો સ્વીકાર કરે એ વધુ આવશ્યક હતું ને જે આવશ્યક હતું તેનો મેં અમલ કર્યો.’
‘એટલે તમે પિતૃભક્તિ અમલમાં મૂકી, મહારાજાને મનગમતી યૌવના મળી, માત્ર મને જ ચિંંતા મળી એમ જ ને’ સત્યવતીની