ગંભીરતાથી સત્યવતી વિચારતી હતી. લાંબી વિચારણા પછી એક તર્ક ઊઠ્યો, ‘કદાચ ભીષ્મ અને વિચિત્રવીર્ય વચ્ચે કોઈ પ્રશ્ન અંગે વિવાદ જાગ્યો હોય ને તેમાંથી મનદુઃખ ઊભું થયું હોય તો માનસિક તનાવ સ્વાભાવિક છે. પણ એવી કોઈ દુર્ઘટનાની તેને જાણ નથી. ભીષ્મ તો તરત જ તેનું ધ્યાન ખેંચ્યા વગર રહે જ નહિ. પણ—’ આ કલ્પનાતંતુ આગળ લંબાય તે પહેલાં તે સ્વગત બબડી, ‘ના, ના, ભીષ્મ વિષે કોઈ અનિષ્ટ કલ્પના કરવી ન જોઈએ. ભીષ્મ તેની પ્રતિજ્ઞાને પૂરતો વફાદાર છે. એટલે તો મારા દીકરા ગાદીપતિ થયા. ભીષ્મ બંને દીકરાઓનાં વહીવટને સફળ બનાવવા સતત જહેમત પણ કરે છે. તેને વિષે કોઈ દૂષિત વિચાર મારા મનમાં ઉદ્ભવવો જ ન જોઈએ.’ મનોમન તે પસ્તાવો પણ કરી રહી.
હવે વૈદ પણ થાક્યો હતો. તેના સર્વોત્તમ ઓસડિયાં ને સર્વોત્તમ ઉપચારો વિચિત્રવીર્યની બીમારીને દફે કરવામાં નિષ્ફળ જતા હતા. હવે તો તેની મૂંઝવણ પણ વધી પડી હતી. અંબાલિકા પણ વૈદની હતાશાને પામી ગઈ હોય તેમ દર્દનાક સ્વરે વૈદને પ્રાર્થતી હતી, ‘મારા સ્વામીને બચાવો વૈદરાજ, તમારો ઉપકાર કદી નહિ ભૂલું.’ તેની આંખમાંથી અશ્રુપ્રવાહ પણ વહેતો હતો.
વૈદ પણ દ્રવી ઊઠતો હતો. તે અંબાલિકાને શાંત્વન દેતો હતો, ‘હું મારાથી બનતાં બધા જ પ્રયત્નો કરું છું.’ પોતાની પાસેની એક જડીબુટ્ટી તેની સામે ધરીને કહી રહ્યો, આ જડીબુટ્ટીનો છેલ્લો સહારો છે.’ તે જડીબિટ્ટી વિષેની સિદ્ધિઓ-સફળતા વિષે બ્યાન કરતાં કહેતો, ‘આ જડીબુટ્ટીએ છેલ્લો સહારો લીધો છે, બા સાહેબ!’ પછી વિશ્વાસ સ્થાપિત કરવા મથતો હોય એમ કહેતો, ‘એક વખત સદ્ગત મહારાજાને આ જડીબુટ્ટીથી તંદુરસ્તી પ્રાપ્ત થઈ હતી. એટલે હવે આ જડીબુટ્ટીની અજમાયશ કરું છું. પ્રભુની દયા હશે તો મહારાજ ફરી હરતાંફરતાં તંદુરસ્ત થઈ જશે.’