ગજબની હતી. પોતાના હાથે જ પોતાના બાળકને આમ જળસમાધિ કરાવતી ગંગા પ્રત્યે દાસીના મનમાં ભારોભાર રોષ હતો.
પણ મહારાણી ગંગાના વદન પર ક્યાંય ગમ દેખાતો ન હતો. સંપૂર્ણ સ્વસ્થતાપૂર્વક તે પલંગમાં પડી અને થોડીક ક્ષણોમાં પ્રગાઢ નિદ્રામાં સરી પડી.
શાન્તનુની ઈચ્છા વિરુદ્ધના ગંગાના આ ઘાતકી પગલાં વિષે રાજમહેલમાં સૌના મનમાં ભારે રોષ હતો. ગંગા તેનાથી અજ્ઞાત પણ ન હતી, પણ તે જાણતી હતી કે કોઈનો રોષ કામ આવે તેમ નથી.
તે સ્વસ્થ અને શાંત હતી. તેના નિર્ણયમાં મક્કમ હતી. તેણે સાત સાત સંતાનોને જન્મ દીધો ને બાળક જગતને જોવા માટે પોપચાં ઉઘાડે તે પહેલાં તને જળસમાધિ પણ કરાવી દીધી હતી.
હમણાં જ તે પુનઃ પ્રસૂતા બની હતી. તેની પડખે નવજાત બાળ પોપચાં બીડીને પડ્યું હતું. ગંગા તેના દેહપર હાથ પ્રસાર તેને ઠપકાવતી હતી, પણ બાળક શાંત હતું.
બાળક પર હાથ ફેરવતાં ફેરવતાં તેના મનના ભાવો હમણાં ઊછળી પડશે એવા ભયથી તેણે જ બાળકને પડખેથી દૂર કર્યું.
‘હમણાં થોડો કાળ આ મહેલના સુખશૈય્યામાં પડ્યો રહે, દુર્ભાગી !’ એમ બબડતી તે પલંગમાં પડી મધરાતની પ્રતીક્ષા કરતી હતી. સાત સાત સંતાનોને જન્મ દીધા પછીની થોડીક ક્ષણોમાં જળસમાધિ કરાવી દેનાર ગંગાના દિલમાં માતૃભાવ જાગતો જ ન હતો. આઠમા બાળકનો પણ અંજામ તેણે નિશ્ચિત કર્યો હતો.
તે મધરાતની પ્રતિક્ષા કરતી હતી. દાસ-દાસીઓ પણ ત્યારે ભરનિદ્રામાં હશે, મહારાજ તો વચનબદ્ધ છે એટલે તેમના તરફથી કોઈ ભય ન હતો પણ દાસ-દાસીઓમાંથી કોઈ તેને અટકાવે નહિ, એટલે તે મધરાત પછી જ તેના નિર્ણયને અમલમાં મૂકવા માંગતી હતી.