લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







દૂર દૂર ઘોડો થોભાવી શાન્તનુ નદીના તટે લંગારેલી હોડીમાં બેઠેલી નવયૌવના પ્રતિ એકાગ્ર નજર માંડી બેઠો હતો. રૂપસૌંદર્ય અને જોબનના અમૃતપાન કરવા અધિર બન્યો હતો. ક્ષણે ક્ષણે તેની ઉત્તેજના વધતી હતી, મન સાથે તરંગો પણ ઊઠતા હતા.

‘કદાચ ગંગા જ નવા અવતારે ધરતી પર આવી હશે તો?’ શાન્તનુના મનમાં તરંગ ઊઠ્યો ને તેણે જવાબ દીધો. ‘કદાચ શાન્તનુનો પ્રેમ તેને ખેંચી લાવ્યો હશે. શાન્તનુએ તેને સતત પ્રેમથી ભીંજવી દીધી હતી ને ? એ પ્રેમ તેને દેવભૂમિમાં પણ સતાવતો હશે.’ એ પછી નિશ્ચયાત્મક સ્વરે બોલ્યો, ‘હા, હા, શાન્તનુનો પ્રેમ સમર્પણ તેને દેવભૂમિમાં પણ શાંતિથી રહેવા દેતું નહિ હોય એટલે તેણે નવા વેશે ધરતીપર પદાર્પણ કર્યા હશે.’

તરંગોમાં ગરક થઈ ગયેલા શાન્તનુના હૈયામાં આનંદનો ધોધ વહેતો હતો.

‘મારી પ્રતીક્ષા કરતી હશે !’ ઘોડા પરથી નીચે ઊતરતાં ઉલ્લાસભર્યો શાન્તનુ બબડ્યો, ‘મારે તેની પાસે જવું જોઈએ.’ જાણે નદીકાંઠે હોડીમાં બેઠેલી નવયૌવનાને આશ્વાસન દેતો હોય એમ બોલ્યો : ‘આવું છું. દેવી ગંગા તને હું જાણી ગયો હું. તું જેમ મારા વિના તલસતી હતી, તેમ વર્ષો થવા છતાં હું પણ તારા વિયોગની વેદના વેઠતો સતત તારું જ રટણ કરતો જીવતો રહ્યો છું.’