‘ખોટી વાત છે. કેવળ કલ્પનાનો તુક્કો જ છે.’ ઉશ્કેરાટમાં આવી જતાં શાન્તનુએ કહ્યું, ‘મત્સ્યગંધાના સંતાનોને માછીમારના નહિ પણ મહારાજા શાન્તનુના સંતાનો હશે ને દેવવ્રત જેટલાં જ તેમના પણ માનપાન હશે, ઉપરાંત તેમના માટેની ખાસ વ્યવસ્થા પણ હશે.’
માછીમાર શાન્તનુની મોહાંધ દૃષ્ટિ પામી ગયો હતો. તેને ખાતરી હતી કે મહારાજા મત્સ્યગંધાના સૌંદર્ય પર મોહાંધ થયા છે, એટલે તેની દરખાસ્તને તેઓ અવશ્ય સ્વીકારશે જ એટલે તે મક્કમ હતો.
‘આપ ગમે તે કહો પણ મને વિશ્વાસ આવવો જોઈએ. એટલા માટે દીકરીનો હાથ તમારા હાથમાં મૂકું તે પહેલાં ભાવિ વિષે ખાતરી મળવી જોઈએ.’ માછીમાર કહી રહ્યો, ‘તમે વચન આપો એટલે મત્સ્યગંધાનો હાથ તમારા હાથમાં મૂકી દઉં.’
શાન્તનુ ગંભીર હતો. દેવવ્રતના હક્કની અવગણના કરવા તે તૈયાર ન હતો, તો મત્સ્યગંધાના મોહમાંથી મુક્ત પણ થઈ શકતો ન હતો.
ગમગીન ચહેરે શાન્તનુ માછીમારના ઝૂંપડેથી પાછો ફર્યો. મન ખિન્નતાથી ભરાઈ ગયું હતું. તેની દૃષ્ટિ સમક્ષ સતત મત્સ્યગંધા રમતી હતી. મત્સ્યગંધાને પામવા દેવવ્રતના હક્કને ફગાવી દેવાની તેની ઈચ્છા પણ ન હતી. મત્સ્યગંધાના સહવાસની તેની ઝંખના એટલી તો પ્રબળ હતી કે ઘોડા પર બેઠા બેઠા પણ તેના વિચારમાં ગરક હતો.
મત્સ્યગંધા શાન્તનુ સમક્ષ તેના પિતાએ મૂકેલી દરખાસ્તથી થોડી હરખપદુડી જરૂર બની હતી પણ શાન્તનુના પ્રત્યાઘાતો મત્સ્યગંધાના સંતાનો વિષેની તેની ખાતરીભરી સ્પષ્ટતા પછી બાપાએ હઠ કરવાની જરૂર ન હતી એમ તેને લાગતું હતું. તે પણ શાન્તનુના પ્રેમમાં મસ્ત હતી. શાન્તનુ સાથે જે થોડો સમય