પણ તેને શું?’
મત્સ્યગંધા જેમ જેમ વિચાર ચક્રાવે ઘૂમતી હતી, તેમ તેમ તેના ભાવિની ઉજ્જવળતા પર અંધકારના પડદા નાખી દેવા માટે બાપ પર ગુસ્સે ભરાતી હતી. તેના રોમેરોમ સળગી રહ્યાં હતાં.
‘જેનું કોઈ અસ્તિત્વ નિશ્ચિત નથી, તેના નામે વર્તમાનને અંધકારભર્યો બનાવવાની મૂર્ખતા તેના બાપે શા માટે કરવી જોઈએ?’ તેનો મનોદ્વેગ વધી પડ્યો હતો. દિવસ દરમ્યાન તે બાપ સાથે નદીકાંઠે હોડી ચલાવવા જવા ઇચ્છતી ન હતી. બધો વખત શૂન્યચિત્તે તે ઝૂંપડાની દીવાલો પાછળ બેસી રહેતી. તેની આંખમાં શાન્તનુના પ્રેમનાં સ્વપ્નાં રમતાં હતાં.
માછીમાર પણ દીકરીની મનોવ્યથાથી અજ્ઞાત ન હતો. તે મત્સ્યગંધા સમક્ષ દલીલ કરતો ને પોતાની દરખાસ્તનું સમર્થન કરતાં કહેતો, ‘આ તો રાજા, વાજા ને વાંદરા કહેવાય. ગાંડી કાલ તને હાંકી કાઢે તો તું અને તારાં બાળકો ક્યાં જશો? રસ્તા પર રખડતાં થઈ જશો.’ ને પછી ગંભીરતા ધારણ કરતાં કહ્યું, ‘એટલે આપણા જેવાએ મોટાનો વિશ્વાસ કરવો નહિ. જે હોય તે પહેલેથી બધું જ નક્કી કરવું જોઈએ.’
‘શું નક્કી કરવું છે?’ ગુસ્સામાં મત્સ્યગંધા પૂછી રહી. અને ઉમેર્યું, ‘હજી લગ્ન થયા નથી, ત્યાં સંતાનનો પ્રશ્ન ક્યાં આવ્યો ?’ ને પૂછી રહી, ‘સંતાનો તમારી દીકરીના જ હશે, રાજા તેનો બાપ નહિ હોય ? તને પોતાના સંતાનો પ્રત્યે પ્રેમ નહિ હોય ? ગમે તેટલા સંતાનો હોય પણ માબાપ તેમની જરૂરતોને સંતોષવા પ્રયત્નશીલ હોય છે જ.’ મત્સ્યગંધાનો ચહેરો ઉશ્કેરાટથી લાલઘૂમ બની ગયો હતો. તેની આંખોમાં ઘોર નિરાશા હતી. આવેશમાં આવી તેણે બે હાથે પોતાનું માથું કૂટતાં કહ્યું, ‘તમે જ તમારી દીકરીના સુખીજીવનમાં આગ ચાંપી રહ્યા છો. હવે મહારાજા પાછા નહિ આવે ને મારે નસીબે તો હોડી હાંકવાની