શાન્તનુ બેચેન હતો. જ્યારે તેણે માછીમારનું ઝૂંપડું છોડ્યું ત્યારે તેને વિશ્વાસ હતો કે, મત્સ્યગંધા પણ તેના બાપના પગલાંથી નિરાશ થઈ જ હશે. તેના દિલદિમાગ પર શાન્તનુની તસ્વીર પથરાઈ જ ગઈ છે. તે પણ શાન્તનુની જ ઝંખના કરતી બેચેન હશે. આખરે તે દોડતી તેના પ્રિયતમના બાથમાં ભીંસાઈ જવા અધીરી પણ થતી હશે, એટલે તે તેના બાપને છોડીને દોડતી અહીં આવી પહોંચશે.
આ આશાએ શાન્તનુની નજર હંમેશાં દ્વાર પર જ રહેતી. દ્વારપાળને પણ તેણે સૂચના દીધી હતી : ‘જો કોઈ યૌવના પોતાને મળવા આવે તો તેને અટકાવવી નહિ.’
પણ દિવસોની તેની પ્રતિક્ષા નિષ્ફળ જતી હતી. બેવશ બની દ્વાર પરથી નજર ફેરવી લઈ પડખું બદલતાં બબડતો, ‘તે પણ શું કરે ? તેના બાપે તને અટકાવી દીધી હશે? તેને તેની શરતનો સ્વીકાર કરાવવો છે, એટલે બન્ને જીવોને તરફડતા રાખવા માંગતો હશે.’ તે એક ઊંડો નિસાસો નાખતો હતો.
મંત્રી શાન્તનુ સમક્ષ તેની કલ્પનાને તર્કબદ્ધ બનાવવા પ્રશ્નો કરતો હતો, ‘ગંગાની યાદ પુનઃ તાજી થઈ લાગે છે, ખરું ને મહારાજ ?’
‘પણ હવે વર્ષો થયાં, ગંગા પણ આ પૃથ્વી પરથી વિદાય થઈ હશે. હવે તેની યાદમાં પરેશાન થવાનો કાઈ અર્થ ખરો?’ મહારાજને શાંત્વન દેતો હોય એમ મંત્રી કહેતો : ‘દેવવ્રત તમારી નજર સમક્ષ છે. તેને યુવરાજપદે સ્થાપિત કરીને ગંગાની ઇચ્છા પૂર્ણ કરો. આમ બેચેન બનીને પડી રહેવાનો કોઈ જ અર્થ નથી.’
શાન્તનુ શાંત હતો, પણ મંત્રીના પ્રશ્ને તેના દિલમાં હલચલ મચાવી દીધી હતી. પોતે ગંગાને ભૂલી ગયો હતો. વર્ષો થયાં પોતે સંપૂર્ણ સ્વસ્થ પણ હતો. દેવવ્રત એ ગંગા સાથેના તેના પ્રણયનું પ્રતીક તેની સમક્ષ હતો, એટલે ગંગાની યાદ તેને પરેશાન