મંત્રી માછીમારના જવાબથી મનમાં બબડ્યો, ‘પામર, ગરીબ ખરો, પણ ફાળ મોટી ભરે તેવો હોશિયાર છે.’
પોતાની સમક્ષ બે હાથ જોડી નમ્રતાથી ઊભેલા માછીમારના ચહેરા પર નજર ટેકવી ને તેનું અવલોકન કરી લીધું.
‘ગરીબ પાસે પણ ઘણી વખત એવી ઉપયોગી વસ્તુ હોય છે, કે જેને પ્રાપ્ત કરવા રાજા-મહારાજાઓને પણ તેનાં બારણાં પાસે ઊભવું પડે.’ મંત્રી બોલ્યો.
‘ના, ના, એવી વાત ન કરો બાપા !’ માથા પરનું ફાળિયું ઉતારી મંત્રીના પગ પાસે મૂકતાં માછીમાર બોલ્યો, ‘મારી પાસે આ ફાળિયું છે. આપને તેની શી જરૂર હોય બાપા? કહો તો હું દઈ દઉં. ઉઘાડા માથે ફરીશ.’
મંત્રીના મોં પર મલકાટ હતો. માછીમાર કેવી અદાથી વાત કરતો હતો ! જાણે કોઈ શરત કરવા ઈચ્છતો જ ન હોય એમ તે પોતાનું ફાળિયું આપી રહ્યો હતો.
‘ના, તને ઉઘાડા માથે કરવા માંગતો નથી.’
‘તેા બીજું શું છે? મારી પાસેથી શું તમને દઉં?’
‘ઘણું છે.’
‘તો માંગો.’
‘હું તારી પુત્રી મત્સ્યગંધાને મહારાજા માટે માંગવા આવ્યો છું.’ આખરે મંત્રીએ તેની વાત મૂકી. પોતાની માંગણી પરત્વે માછીમારનો પ્રત્યાઘાત જાણવા તેના ચહેરા સામે જોઈ રહ્યો.
માછીમાર તો! મંત્રીના આગમન સાથે જ જાણી ગયો હતો. તો પણ મંત્રીની વાત સાંભળતાં મલકાટ કરતો હોય એમ બોલ્યો, ‘મત્સ્યગંધાના ધન્યભાગ્ય ! માછીમાર જેવા નાચીઝ માનવીની દીકરી હસ્તિનાપુરની મહારાણી થાય એ તો તેનાં સદ્ભાગ્ય કહેવાય પણ…’
‘સદ્ભાગ્ય પણ ક્યાં આવ્યું ?’ માછીમારને બોલતો અટકાવી મંત્રી પૂછી રહ્યો, ‘સદ્ભાગ્યને બનવા દેવું જોઈએ.’