પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શારીરિક મહેનત નથી એટલે એમ થતું હશે - જે હોય તે, મારું તો શરીર અને મગજ બેઉ બગડ્યું છે. ઉજાગરા અને અનિયમિતતાને અંગે. ફિકર નહીં, થોડા વખતમાં તેને પહોંચી વળીશ.

અહીંના બરમા લોકોનું જીવન ભારે વિચિત્ર અને જંગલી જેવું હોય છે. અહીં ધાન સૂકવવા આવતી બર્મી સ્ત્રીઓને પોણા છ આના મળે, એમાં એક દિવસ વચ્ચે પડે તો બીજે દિવસે ખાવાનાય સાંસા. જે મળે તે વાપરી નાખવાનું અને શેઠાણીઓ થઈ ફરવાનું. પછી ભલેને ધાનની પચાસ પાઉંડની ટોકરી ઉઠાવતી હોય. પરંતુ વાયલનું ભરતવાળું ફ્રોક તો જોઈએ જ. બરમાઓની ચામડી ગોરી હોય છે, પણ જેને 'ચાર્મિંગ બ્યૂટી' કહીએ તેવું બહુ જોવામાં નથી આવતું. આપણે અણીઆળા નાકને 'ચાર્મિંગ' કહીએ, તો તે લોકો જેમ વધુ ચીબું તેમ વધુ પસંદ કરે. મેં તો સાંભળ્યું છે કે બાળક નાનું હોય ત્યારથી નાક દાબ દાબ કરીને ઈરાદાપૂર્વક ચીબું બનાવે છે. નીતિનું ધોરણ પણ બહુ ઊચું નહીં. ક્યાંથી હોય? ગરીબી હોય ત્યાં નીતિ પાળવી બહુ મુશ્કેલ છે.

આજે પણ લગભગ ૧૧ થયા છે. સવારે પોણા ત્રણે ઊઠવાનું છે. એટલે પત્ર પૂરો કરીશ.

મારી પેઠે તને તારા શેઠ અમારા પરામાંથી શહેરમાં નહીં બોલાવતા હોય. એકાએક મૅનેજર પર ટેલિફોન આવે કે શિવશંકરને રવાના કરો, જરૂરી કામ છે. થોડાક મોડા થઈએ તો શેઠજી કહેશે કે 'કેમ મોડા થયા? મને તમારા પર ગુસ્સો તો બહુ આવે છે. તમને શું કહેવું?' પછી પૂછું કે શું કામ હતું? ત્યારે 'ઓરા આવો, ક્યાં આઢશું?' એવું જ બતાવે. મનમાં મનમાં ભારે હસવું આવે છતાં મોંએ ભૂલ કબૂલ કરી લેવી પડે, અને ત્યારે એને મોટો જંગ જીત્યા જેવું લાગે.

આંહીંના અમારા મૅનેજર પણ જુવાન અને કુંવાર ફક્કડ છે. પણ બર્મી લોકોનો દોષ કે કદરૂપાપણું એમને દિલે વસતાં નથી, એથી અમે એ જાણી જાય તેમ બર્મી લોકોના અવગુણ ગાતા નથી.

એને પગાર શું મળે છે, કહું? ચકિત થતો નહીં. રૂપિયા રોકડા પાંત્રીસ, અને અમારી સાથે શેઠિયા તરફના બાસામાં અમારી જેમ જ ખાવું, પીવું તથા ધોબી-હજામત.

લિ. તારો શિવો.