પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ચોવીસમું

૧૭૬

'ભક્તરાજ !' નરસૈયાને જવાબ મળ્યો. 'ટાઢું પાણી તો વેવાણ આપવા ના પડે છે. કહે છે કે વાલાજીને વિનવો, વરસાદ મોકલે.'

આંહીં પણ નરસૈયાના શ્રીહરિ સંગીત રૂપે ટાઢું જળ લઇને વારે ધાયા. નરસૈયાએ મલ્લાર રાગે મેઘ આરાધ્યો. ને કુંવરબાઇનાં નયણાં વરસતાં હતાં તેવાં જ એ સૂરને વશ વાદળ ન્હાવણ-કૂંડીમાં વરસ્યાં. નરસૈયાના સૂરોએ પંચ મહાભૂતને પોતાને કબજે કર્યાં હતાં. નરસૈયાના કંઠમાંથી ઊઠેલી શીતળ મલ્લાર-સૂરોએ ત્રાંબાકૂંડીમાંથી ફળફળતી વરાળનું વાદળું બાંધી દીધું. સૂરોનો સ્વામી શીતળ નીરે ન્હાઇ ઊઠ્યો.

ને મા વિહોણી, ખોટનો ભાઈ હારી બેઠેલી, જગતભૂલ્યા ભોળા બાપની ગિલા સાંભળતી સગર્ભા દીકરી કુંવર જ્યારે બાપને ઉતારે જઈ, થાંભલી ઝાલી ઊભી રહી, ત્યારે બાપે એને માટે એક પોટકું છોડ્યું : 'લે બાઈ,' એ ગરીબડું મોં કરી વસ્તુઓ કાઢતો હતો " 'લે તારા સીમંત અવસરે બાપ ફક્ત આટલી જ પહેરામણી લાવેલ છે. આ ગોપીચંદન છે, આ તુળસીની માળા છે, આ ખાસ વૃંદાવનથી આવેલ વ્રજરેણુ છે. શ્રી હરિને વ્હાલાં હતાં આ સર્વ વાનાં. તારી બાનું કાંઇ ઘરાણું તો નથી બાકી રહ્યું. એ જીવી ત્યાં સુધી સંતો અતિથિઓને છેલ્લી વાળી વટાવીને પણ જમાડી ગઇ છે. ને મારો ઓરતો કોણ કરે ? હું તે કાંઇ માણસમાં છું ! હે-હે-હે-હે-શ્રીહરિ.'

'આ લે ભાભી !' નણંદ એક કાગળ લઇને કુંવરબાઇ પાસે આવી : 'છોરૂ આવશે ત્યારે મામેરામાં જે જે વાનાં જોશે તે લખીને લાવી છું, દઇ દે તારા બાપને.'

'હાસ્તો.' અન્ય સગાંએ શોર મચાવ્યો. 'શ્રીહરિ જેને શબ્દે બંધાયલો છે એવો તારો અડીખમ બાપ શું મામેરૂં નહિ પૂરે ? એને આબરૂની ખેવના નહિ હોય, પણ આમારે તો સંસારમાં જીવવું જોશે.