પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૭

માંડાળિકનું મનોરાજ્ય


'અત્યારે તો મારે ખોળે....' કુંતાદી રા'ને પોતાની છાતીએ ખેંચી લઇને કહ્યું; આબરૂભેર જીવતર તો જીવી લ્યો.'

પછી એ રાત્રિના ચોથા પહોરે જ્યારે ચોઘડીઆં બજવા લાગ્યાં, ત્યારે રા' અને કુંતાદે ગોખની બારીએ ડોકાં કાઢીને કોઇક ગગનગામી ગળાના પ્રભાતી-સૂર સાંભળી રહ્યા હતા:-

નિરખને ગગનમાં કોણ ઘૂમી રીયો
કો...ઓ...ણ ઘૂ...મી રીયો...નિ...ર...ખ...ને-
* * *
'બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે

'નિરખને' એ બોલે કોઇક કાકલૂદી કરતુંહતું. 'કોણ ઘૂમી રેયો' એ સુરો આકાશમાં એક વિરાટનું આલેખન કરતા હતા. અને માંડળિક પોતાના બોલથી રખે જાણે સંગીતબાંધી હવાને આંચકા લાગશે એવી બ્હીકે હળવાફુલ અવાજે કહેતો હતા-

'દેવડી ! નાગર જુવાન નરસૈયો ગાય છે.'

'હોય નહિ. આ તો બુલંદ સૂર ને ગંભીર શબ્દો...'

'એ જ છે કુંતા. એ બાયડિયો, નાચણકૂદણીયો ને કેવળ કરતાલીઓ નથી. એ બ્રહ્મજ્ઞાની છે, જોગી છે. મેં એને ઓળખ્યો છે. નથી ઓળખતાં એને એનાં જ રાસઘેલડીયાં ટોળાં.'