પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્વયંસંપૂર્ણ ઘટક નહીં બને. મહાસભાવાદી આ બધા ધંધાઓમાં રસ લેશે, અને વધારામાં તે ગામડાનો વતની હશે અથવા ગામડે જઈને રહેતો હશે તો આ ધંધાઓને નવું ચેતન ને નવું વલણ આપશે. દરેક જણે, દરેક હિંદીએ જ્યારે જ્યારે ને જ્યાં જ્યાં મળે ત્યાં કેવળ ગામડાંમાં બનેલી વસ્તુઓ વાપરવાનો પોતાનો ધર્મ માનવો જોઈએ. આવી વસ્તુઓની માગ ઊભી થાય તો આપણી મોટા ભાગની જરૂરિયાતો ગામડાંઓ પૂરી પાડી શકે એમાં જરાયે શંકા નથી. ગામડાંઓને વિશે આપણને લાગણી થશે ને તેમાં બનેલી વસ્તુઓ આપણને ગમતી થશે તો પશ્ચિમની નકલમાં મળતી સંચામાં બનેલી ચીજો આપણને નહીં ખપે, અને જેમાં ગરીબી, ભૂખમરો ને આળસ કે બેકારી નહીં હોય તે નવીન ભારતના આદર્શની સાથે મેળ ખાય એવી અભિરુચિ આપણે કેળવીશું.

૬. ગામ સફાઈ

મજૂરી ને બુદ્ધિ વચ્ચે ફારગતી થઈ છે તેથી ગુનો ગણાય તેટલી હદ સુધી આપણાં ગામડાંઓ તરફ આપણે બેદરકાર થયા છીએ. એટલે શોભીતાં ને રળિયામણાં નાનાં નાનાં ગામો ઠેર ઠેર પથરાયેલાં હોય તેને બદલે આપણે ત્યાં ઉકરડા જોવાના મળે છે. ઘણાં, કહો કે લગભગ બધાં, ગામોમાં પેસતી વખતે જે અનુભવ થાય છે તેનાથી આનંદ ઊપજતો નથી. ભાગોળે જ આજુબાજુ એવી ગંદકી હોય છે ને તેમાંથી એવી બદબો ઊઠે છે કે ઘણી વાર ગામમાં પેસનારને આંખ મીંચી જવી પડે છે ને નાક દબાવવું પડે છે. મોટા ભાગના મહાસભાવાદીઓ ગામડાંના વતનીઓ હોવા જોઈએ. તેમ હોય, તો તેમણે આપણાં ગામડાંઓને બધી રીતે ચોખ્ખાઈના નમૂના બનાવવાં જોઈએ. પણ ગામડાંના લોકોના નિત્ય એટલે કે રોજેરોજના જીવનમાં ભાગ લેવાની અથવા તેની સાથે એકરૂપ થવાની તેમણે પોતાની ફરજ કદી માની નથી. રાષ્ટ્રીય કે સામાજિક સફાઈને આપણે જરૂરી ગુણ માન્યો નથી ને કેળવ્યો નથી. આપણે રિવાજથી અમુક ઢબે નહાઈએ છીએ એટલું જ, બાકી જે નદી, તળાવ કે કૂવાને કાંઠે આપણે શ્રાદ્ધ ને એવા બીજા ધર્મવિધિ કરીએ છીએ, ને જે જળાશયોમાં આપણે પવિત્ર થવાને સ્નાન કરીએ છીએ તેમનું પાણી બગાડતાં કે ગંદું કરતાં આપણને છીત થતી નથી. આપણી