પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કેળવણીનું કામ મહાસભાવાદીઓને અખૂટ રસ આપે તેવું છે અને તેમાંથી જે બાળકોની સાથે તેઓ સંબંધમાં આવશે તેમને જેટલો ફાયદો થશે તેટલો જ ફાયદો ખુદ તેમને થશે. જે મહાસભાવાદીઓને આ કામ ઉપાડવાની ઇચ્છા હોય તેમણે સેવાગ્રામને સરનામે તાલીમી સંઘના મંત્રીને લખીને જોઈતી માહિતી મેળવવી.

૬. ગામ સફાઈ

મહાસભાવાદીઓએ આ કામ તરફ નહીં જેવું ધ્યાન આપ્યું છે. જ્યાં આ વિષયમાં તેમણે થોડું ઘણું ધ્યાન આપ્યું છે ત્યાં વગર ભણેલા લોકોને માત્ર લખતાંવાંચતાં શીખવીને સંતોષ માન્યો છે. મોટી ઉંમરના સ્ત્રીપુરુષોને કેળવવાનું કે ભણાવવાનું કામ જો મારે હસ્તક હોય તો હું મારા વિદ્યાર્થીઓને પોતાના મુલકનો વિસ્તાર અને તેની મહત્તાનો ખ્યાલ આપીને તેમની કેળવણીની શરૂઆત કરું. આપણાં ગામડાંઓનાં વતનીઓને મન પોતાનું ગામ તે જ પોતાનો આખો દેશ. તે લોકો જો પરગામ જાય તો ત્યાં પોતાનું ગામ એ જ જાણે પોતાનો આખો મુલક કે વતન હોય તેવી વાત કરે છે. હિન્દુસ્તાન શબ્દ તેમને મન કેવળ ભૂગોળની ચોપડીઓમાં વપરાતો બોલ છે. આપણાં ગામડાંઓમાં કેવું ઘોર અજ્ઞાન વસે છે તેનો આપણને ખ્યાલ સરખો નથી. આપણાં ગામડાંનાં ભાઈઓ ને બહેનો આપણા દેશ પર ચાલતી પરદેશી હકૂમત કે તેનાં માઠાં ફળ વિશે કશું જાણતાં નથી. આમતેમથી જે કંઈ થોડું જાણવાનું મળે છે તેને લીધે પોતાના પરદેશી રાજકર્તાઓનો તેમના દિલ પર ધાક બેસી ગયો છે. એટલે પરદેશીઓથી ને તેમની હકૂમતથી તે ડરે છે પણ તેને અંતરમાં ધિક્કારે છે. એ હકૂમતની બલામાંથી કેમ છૂટવું તેની તેમને સમજ નથી. વળી તેમને એ વાતનો પણ ખ્યાલ નથી કે પરદેશીઓની અહીં હકૂમત ચાલે છે તેનું એક કારણ તેમની પોતાની જ નબળાઈઓ કે ખામીઓ છે, અને બીજું એ પરદેશી અમલની બલાને કાઢવાને પોતાનું જે સામર્થ્ય છે તેનું તેમને ભાન નથી. તેથી મોટી ઉંમરનાં આપણાં ભાઈબહેનોની કેળવણીનો સૌથી પહેલો હું એવો અર્થ કરું છું કે મોઢાના બોલથી એટલે કે સીધી વાતચીતથી તેમને સાચી રાજકીય કેળવણી આપવી. આ કેળવણી ક્રમે ક્રમે કેવી