પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કરજો. ફીણના ઊભરાથી પાણીની ઊંડાઈનું માપ થતું નથી, માટે ઊભરો શમી જાય ત્યારે પાણી કેટલું રહેશે એનો ખ્યાલ પ્રથમથી કરી મૂક્જો.
દુર્ગેશ : તે પછી મારા મનોબળ વિષે તેં મને પૂછ્યું કેમ નહિ?
કમલા : મારા મનોબળથી તમારા મનોબળનું માપ હું કરી શકી હતી. એક ધરી પર ફરનારાં બે ચક્રમાં એકની ગતિ સરખી જ બીજાની ગતિ હોય છે.
દુર્ગેશ : પ્રાણપ્રિયા ! તારા હ્રદયની ઉદાત્તતા પરથી તું મારા હ્રદયની ઉદાત્તતાનું અનુમાન કરે છે, તો ભવિષ્યમાં તારું હ્રદય શિથિલ નહિ થાય અને મારું હ્રાદય શિથિલ થશે એવી અન્યાયભરેલી શંકા શા માટે કરે છે?
કમલા : હ્રદયેશ્વર ! હું તમને અન્યાય નથી કરતી. મને માત્ર આપણા સુખની પરિપૂર્ણતા જોઇ અધીરાઈના વિચાર આવે છે કે રખેને એ પરિપૂર્ણતા કાળની ચંચળતા પંજામાં સપડાય ! તમારા મિત્ર તે દિવસે કહેતા હતા કે કાળને મન સહુ સરખા છે.
દુર્ગેશ : એમના વચનનો અર્થ એવો હતો કે કાળ એકની પાસે ઊભો રહે અને બીજા પાસેથી ચાલ્યો જાય એમ બનતું નથી.
કમલા : એમને આવવાનો હવે વખત થયો છે. એમણે કહ્યું હતું કે 'તમારા લગ્નાના માસિક ઉત્સવમાં સામેલ થવા સારુ નિત્ય કરતાં આજે હું વહેલો આવીશ.' એ પોતાનું નામ કહેતા નથી, તેથી એમને માટે સર્વનામ જ વાપરવા પડે છે.
દુર્ગેશ : એમણે પોતાનું નામ અને વૃતાન્ત ગુપ્ત રાખ્યાં છે, તે છતાં એમની સાથે અકસ્માત્ સમાગામ થયો તે જ ક્ષણથી મારે એમના પર સંપૂર્ણ વિશ્વાસ ઉત્પન્ન થયો છે. એ કહે છે કે 'તમે મારો વિશ્વસ કરો છો તે કરતાં હું તમારો વધારે વિશ્વાસ કરું છું, અને તે વખત આવ્યે સમજાશે.'
૫૮
રાઈનો પર્વત