પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૭
અહલ્યાબાઈ



બેસાડી. દુકાળના સમયમાં દેશપરદેશમાં અન્નક્ષેત્ર ઉઘાડ્યાં. દયામયી અહલ્યાબાઈનું દિલ કેવળ મનુષ્યોના દુઃખથી જ કાંપતું નહિ, પશુપક્ષીઓનું દુઃખ જોઈને પણ તેમનું હૃદય ખેદ પામતું. ઉનાળાના દહાડામાં, ખેતરમાં ચરતાં પશુઓને પાણી પિવરાવવા સારૂ અહલ્યાબાઈનાં માણસો પાણીના ઘડા લઈને ખેતરોમાં ફરતાં, માછલાંઓને ખાવા માટે નર્મદા નદીમાં લોટની ગોળીઓ નખાવતાં. પંખીઓને ખાવા માટે અનાજનાં અમુક અમુક ખેતરો જુદાં રાખ્યાં હતાં. થાક્યોપાક્યો માણસ, પશુપક્ષી, માછલાં બધાં અહલ્યાબાઈના દાનથી તૃપ્ત થતાં. બધાંનો જીવ તૃપ્ત થયાથી તેઓ પણ ખરા અંતઃકરણથી અહલ્યાબાઈના આલોક અને પરલોકના કલ્યાણ માટે ભગવાન પાસે પ્રાર્થના કરતાં.

અહલ્યાબાઈનું દાન કેવળ પોતાના રાજ્યની સીમામાંજ બંધાઈ રહ્યું હતું એમ નહોતું. ભારતવર્ષમાં એવું કોઈ તીર્થ નથી કે જ્યાં દેવસેવા માટે અહલ્યાબાઈએ કોઈ નવું મંદિર ન બંધાવ્યું હોય અથવા કોઈ જૂના મંદિરનો પુનરુદ્ધાર ન કર્યો હોય; અથવા તો એકાદ અન્નક્ષેત્ર કે જળાશય ન બંધાવ્યું હોય. ધર્મને માટે તો એ વગર સંકોચે ધન ખર્ચતાં. દક્ષિણભારતમાં ઘણાં તીર્થોમાં તો દરરોજ મંદિર ધોવા માટે અને દેવમૂર્તિને સ્નાન કરાવવા માટે, સેંકડો ગાઉથી અહલ્યાબાઈનાં માણસો ગંગાજળ લઈ જતાં. ગયાનું વિષ્ણુપદ મંદિર તથા કાશીનું વિશ્વેશ્વરનું મંદિર એ બે અહલ્યાબાઈએ સુધરાવ્યાં છે. અહલ્યાબાઈને બંધાવેલો એક ઘાટ પણ કાશીમાં છે. હિમાલયમાં દુર્ગમ કેદારનાથ તીર્થમાં તેમણે એક ધર્મશાળા બનાવી છે તથા એક કુંડ ખોદાવ્યો છે. અહલ્યાબાઇની કીર્તિ હજુ પણ ઘણાં તીર્થોમાં જોવામાં આવે છે. અહલ્યાબાઈનું નામ સાંભળ્યું ન હોય તથા અહલ્યાબાઈનાં કીર્તિસ્વરૂપ કામને કોઈ ને કોઈ તીર્થમાં દેખ્યાં ન હોય એવો ભાગ્યેજ કોઇ હિંદુ યાત્રાળુ હશે.

ઘેર પણ નિત્ય દેવસેવા, અતિથિસત્કા૨, બ્રાહ્મણો અને કંગાલોને ભોજન તથા દાન આદિ ધર્મનાં કાર્યો સદા તેઓ કરતાં હતાં. હિંદુ સ્ત્રીઓએ કરવા યોગ્ય બધાં વ્રત અને ઉપવાસ એ કરતાં. એ વ્રતના દિવસોએ હજારો ગરીબોને ભોજન તથા દાનથી સંતુષ્ટ કરવામાં આવતાં.

ધર્મ તરફ તેમનો પ્રેમ બેશુમાર હતો. ધર્મના કામોમાં એ