પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
મદનરેખા



ધર્મ જ અચળ છે, માટે ધર્મનું શરણ લઈ આપે ધૈર્ય ધારણ કરવું.” આવી રીતે ધર્મનો અનેક બોધ આપીને પતિને અંતકાળમાં શાંતિ પહોંચાડી. ઘાથી થયેલી ઈજામાંથી યુગબાહુ સાજો ન થયો, પણ પત્નીનાં મીઠાં વચનોથી એના આત્માને ઘણી શાંતિ વળી અને પ્રભુનું ધ્યાન કરતો કરતો મૃત્યુ પામ્યો.

પતિવિયોગથી મદનરેખાને ઘણોજ ખેદ થયો. તેણે ઘણોજ વિલાપ કર્યો, પણ હવે વખત ખોવા જેવું નહોતું. કામાંધ જેઠનો વિશ્વાસ એ કરી શકે એમ નહોતું, માટે એ ત્યાંથી નીકળી પડી અને અજાણ્યા જંગલમાં પોતાના શીલના રક્ષણ સારૂ રહી. ત્યાં તેને એક પુત્ર થયો. એ પુત્રને પતિના નામની વીંટી પહેરાવી એક ઝાડની છાયામાં સુવાડીને પોતે નદીમાં સ્નાન કરવા ગઈ. ત્યાં આગળ એક વિદ્યાધર એના રૂપ ઉપર મોહી પડ્યો. તેણે મદનરેખાને ઘણી લાલચ બતાવીને પોતાની પત્ની બનવા કહ્યું, મદનરેખાએ તેની સાથે યુક્તિથી કામ લીધું. પ્રથમ પોતાને નંદીશ્વર બેટમાં લઈ જવા કહ્યું અને જણાવ્યું કે, “ત્યાં જઈને દેવતાઓને નમસ્કાર કર્યા પછી હું તારા કહેવા પ્રમાણે કરીશ.” વિદ્યાધર પોતાના વિમાનમાં બેસાડીને એને ત્યાં લઈ ગયો. મદનરેખાએ ત્યાં આગળ ભક્તિભાવથી દેવતાઓનું પૂજન કર્યું. વિદ્યાધરનો પિતા મણિચૂડ મુનિ ત્યાં હતો. એને પોતાની દિવ્ય શકિતથી પુત્રના પાપી વિચારની ખબર પડી ગઈ, તેણે પરસ્ત્રીગમનનો વિચાર સરખો કરવો એ કેવું પાપ છે, એ માર્મિક શબ્દમાં બોધ આપીને સમજાવ્યું. મણિપ્રભ વિદ્યાધરના ઉપર તેની સચોટ અસર થઈ. તેણે મદનરેખાની ક્ષમા માગી કે, “બહેન ! હું તારી શી સેવા કરૂં, તે બતાવ.” મદનરેખાએ કહ્યું: “તમે મને તીર્થનાં દર્શન કરાવીને સગાભાઇની ગરજ સારી છે, માટે હું આપનો ઉપકાર માનું છું.”

આ તીર્થસ્થાનમાં મુનિ પાસેથી મદનરેખાએ પોતાના પુત્રનો પણ પત્તો મેળવી લીધો. મદનરેખાના મનમાં જન્મમરણ, જરા, રોગ અને શોકથી વર્જિત, નિરુપાધિ અને અચળ મોક્ષનું સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ હતી; પરંતુ પુત્ર પ્રત્યેના સ્નેહને લીધે એક વાર તેને મળવાની ઉત્કંઠા હતી. એટલા સારૂ એ મિથિલા નગરીમાં ગઈ. ત્યાં આગળ એક વિદુષી સાધ્વી વસતાં હતાં. મદનરેખાએ તેમનાં દર્શન કર્યાં. તેમણે એને ધર્મોપદેશ કર્યો. એ બોધની એવી અસર થઈ કે પુત્ર માટેની આસક્તિ પણ