પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પાંડવપર્વ

.

કરી, એટલે શકુનિએ મેણું માર્યું કે 'ચતુરે ગાંડાને ભમાવવા, સશક્તે અશક્તને લૂંટવા એ જો પાતક નથી, તો દ્યૂતમાં કુશળ માણસે અકુશળને જીતવા એમાં પાતક ક્યું? તમે દિગ્વિજયમાં અશક્ત રાજાઓને જીત્યા એમાં ન્યાય હતો શું? બાકી મારો તમને આગ્રહ નથી.' યુધિષ્ઠિરને મેણામાં રહેલો દંશ લાગ્યો અને પાપની બીક છોડી બળાત્કારે શકુનિના બલિ થઈ પડ્યા. એણે રમવાનું કબુલ કર્યું. શકુનિ પાસા નાંખવામાં હોંશીયાર હતો અને કપટથી ધારેલા પાસા નાંખી શકતો હતો. એણે દુર્યોધનની વતી પાસા નાંખવા માંડ્યા. રમવામાં નાણાંની, રથસંપત્તિની, અશ્વગજસંપત્તિનિ એક પછી એક શરત બકાવા માંડી. પણ દરેક પાસે યુધિષ્ઠિર હારવા લાગ્યા. છેવટે ધર્મરાજાએ પોતાના ભાઈઓને પણ એક પછી એક હોડમાં મુકવા માંડ્યા. ભાઈઓને દાસ કરી પોતે પણ દાસ થવાનું મેલી હાર્યા. આટલુંયે શકુનિને પૂરતું લાગ્યું નહિ. એ બોલ્યો: "ધર્મ, હજી એક પણ બાકી છે. એ પણ જીતીશ તો સર્વ પાછું આપીશ. તારી સ્ત્રીને પણમાં મુક." આવો નિર્લજ્જ પ્રસ્તાવ સાંભળી સભા 'ધિક્ ધિક્' પોકારી
૧૨૯