પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

સંતાઈ જવું પડ્યું. ત્યાં પણ એ પકડાયો. ત્યાં ભીમ અને દુર્યોધન વચ્ચે ગદાયુદ્ધ થયું. આ વખતે ભીમ છળયુદ્ધ કરી, કૌરવ રાજાની સાથળ ઉપર ગદાનો પ્રહાર કરી એને મરણતોલ ઘાયલ કર્યો.

લડાઈનો હવે અંત આવી ગયો. પાંડવોએ કૌરવોના તંબુઓનો કબજો લીધો અને તેમાં પોતાના પક્ષનાં રહ્યાંસહ્યાં માણસોને રાખ્યાં. રાત્રે અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા યાદવે એ તંબુમાં પેસી ઉંઘમાં એમનાં ખુન કર્યાં. એમાં ધૃષ્ટદ્યુમ્ન, દ્રૌપદીના પુત્રો વગેરે માર્યા ગયા. કૃષ્ણે દીર્ઘદૃષ્ટિથી પાંડવોને એ તંબુઓમાં રાતવાસો ન કરવા સલાહ આપી હતી, એટલે એ પોતે ત્યાં રહ્યા ન હતા. તેથી માત્ર એ જ બચી ગયા.

આ રીતે કૃષ્ણના સુકાન તળે રહી પાંડવો આ રણ-નદી તરી ગયા ખરા, પણ એ જીત હાર કરતાં ઉજળી ન હતી. પાંડવપક્ષમાં પાંચે ભાઈઓ, કૃષ્ણ અને સત્રજિત યાદવ એ સાત, અને કૌરવપક્ષમાં કૃપ, અશ્વત્થામા અને કૃતવર્મા એ ત્રણ બાકી રહ્યા.

૧૪૪