તે નર વાનર ખાવા તત્પર, લીજે તેનાં પ્રણામ રાણાજી. ૨૩
વલણ
પ્રણામ લીધાં સૌ સૂરનાં, રીઝયો રાવણ રાયરે;
ભટ પ્રેમાનંદ કહે કથા, હવે વાહન શોભાયરે. ૨૪
કડવું ૫ રાગ સામગ્રી
પ્રબળ દળ જોઈ જીત્યો રાયજી, ગર્વે ઘેલડો હર્ષ માયજી.
તેડ્યો મશાણી મહોદર નામજી, તત્ક્ષણ આવી કીધો પ્રણામજી. ૧
ઢાળ
પ્રણામ કરીને કામ માગ્યું, કંઈ આજ્ઞા સ્વામીન;
વાહનપતિને કહે રાવણ, વે'ચી આપો વાહન. ૨
મહોદરને કહે રાવણ, જાઓ જુઓ ઘોડાર,
બાંધ્યા ચરે છે અશ્વ મારા, તે આજ કાઢો બા'ર. ૩
વચન સાંભળી રાયનાં, તોખાર તત્પર થાય,
મુખ આગળ હયની હાર લાગી, રાવણ જોતો જાય. ૪
ચપહ ચર્ણા હંસવર્ણા, પંચવર્ણા જાત,
ઉડણ અરબી ને અડાણા, અબલખ પટોળા ભાત. ૫
કલંકી કોરંગ ઘણા કાળા, કાબરા ને કુમેદ,
આભ ઉડણ ને પંખાળા, ખગને પમાડે ખેદ. ૬
વાનરિયા વિક્રાળ વાજી, વિજળિયા વૈતાળ,
પાખરિયા પનંગા પોપટા, વાયણ પરમ શોભાળ. ૭
માતંગા મોતીસરા, માણક મોઘા મૂલ્ય,
યશવંત દશાવંત વાજી, વાયુવેગા અતુલ્ય. ૮
પિરોઝા પીલા પદારથ, પાણીપંથા જાત પંતગ,
ઉજ્વળ આબુ સોરઠીઆ, રંગિત લીલા રંગ. ૯
ગંગાજળિયા ગોરટા, ભુખરા યુદ્ધ અભંગ,