પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

 “આપા ભોકા, રામા ખાચરને ગઢપણ છે ખરું ને, એટલે કાગળ લખ્યા પછી પાછું બે વરસ સંસારનો સવાદ લઈ લેવાનું મન થઈ ગયું હશે !"

"હોય નહિ. રામાને હું ઓળખું છું. આજ રામો જીવ ન બગાડે. નક્કી કાંઈક ભેદ છે. નાજભાઈ ! ગામમાં ડોકોઈ તો આવો. દાયરો શું કરે છે?”

નાજભાઈ ગઢવી ગામમાં ગયા. ગામને જાણે ચુડેલ ભરખી ગઈ હોય એવી ઝાંખપ ભરી છે.

ડેલીએ આવે ત્યાં ઠાંસોઠાંસ દાયરો બેઠો છે, પણ કોઈના પર નૂરનો છાંટોય નથી રહ્યો.

“આવો, નાજભાઈ !” એમ કહીને કાઠીઓ ઊભા થયા. ચારણને બાથમાં ઘાલીને મળ્યા, બેસાડ્યા, કસૂંબો લેવરાવ્યો. પણ કોઈ કશો ભેદ કહેતું નથી. ચારણે કહ્યું:

“રામા ખાચર, બાપ, ભોકો વાળો કયારુના તમારી વાટ જોઈને બેઠા છે."

“હા, ગઢવી, આ હવે ઘડી-બે ઘડીમાં જ અમારા બાકીના જુવાનો આવી પહોંચે એટલે ચડીએ છીએ. હવે ઝાઝી વાર નથી. ભોકાભાઈને વાટ જોવરાવવી પડી એનો એમનેય અફસોસ થાય છે.”

નાજભાઈ ગઢવીને કશું ન સમજાયું : આ ખાચર દાયરો આજ મરવા ટાણે કાં કાળાંમેશ મોઢાં લઈને બેઠો છે?

નાજભાઈ બાઈઓને ઓરડે ગયા, ત્યાંયે ઉદાસીના ઓછાયા.

“આઈ ! આજ આ શું થઈ રહ્યું છે?” એણે બાઈને પૂછ્યું.

“બે’ન હળવદ બલોયાં ઉતરાવવા ગઈ. એને હળવદ દરબારે માંડ્યું કરવા રાત રોકાવી છે. હવે ઘડિયું જાય છે; કાં દીકરીએ