પૃષ્ઠ:Rasdhar4.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઇતિહાસમાં શૂન્ય નજર નાખશે ? છસો નહીં – અરે, છયે નહીં, પણ એક જ વીર : એનું નામ જાદવ ડાંગર : ભાવનગરના આતાભાઈનો એ આહીર યોદ્ધો : એકલે હાથે દોડીને એણે કાઠીઓની તોપોના કાન બૂરી દીધા. આજકાલની જ વાત. ગુજરાતની તરુણ પ્રજામાંથી કોઈ ગુર્જર ટેનિસન પ્રગટ થશે ત્યારે જાદવ ડાંગરના નામનું પણ એક રણગીત આપણી શાળાઓમાં ગાજવા લાગશે. આજ તો જાદવના પાળિયા પાસે એના ગામડાનાં નાનાં બચ્ચાં રમતાં હશે, અને ગામની તરુણીઓ ઘૂમટો તાણીને એ વીરના સ્મૃતિ-ચિહ્નની મરજાદ સાચવતી હશે.

પ્રાંતિક અભિમાનનો આદર્શ

સોરઠી ઇતિહાસનો પ્રત્યેક આશક આ એક એક ઘટનામાં કેવળ પોતાના પ્રતાપી ભૂતકાળને વાંચશે એટલું જ નહીં, પણ દેશ દેશનાં વીરત્વ વચ્ચેની સમાનતાના સંદેશા ઉકેલી વિશ્વપ્રેમનો ઉત્સવ માણી શકશે. એ માણવાની દૃષ્ટિ ખીલવવામાં જ આ યત્નની સાર્થકતા છે. અન્યને ઉતારી પાડનારું પ્રતિક મિથ્યાભિમાન આપણને ખપતું નથી. ભૂતકાળની મગરૂબી એ જો પ્રતાપી ભવિષ્યનું બીજારોપણ ન હોય, તો એની કિમત જ નથી. સૌરાષ્ટ્રના તરુણોની છાતી ફૂલે – એટલી પહોળી ફૂલે, કે એમાં વિશ્વભરના લોકજીવનનું માહાત્મ્ય સમાય. પરંતુ એ વિશ્વદર્શન દીન મનોદશાના દાસોને નથી લાધતું. એ તો માગે છે ગર્વોન્નત મસ્તક; અને પોતાના પગ તળેની જ ધૂળ માટે જે મમત્વ પેદા ન થાય, તો એ ગર્વ ક્યાંથી નીપજે? ને આવા મુકાબલા વિના એ મમત્વ ક્યાંથી? આવી રીતની સરખામણી કર્યા પછી સૌરાષ્ટ્રનો નિવાસી હરકોઈ સંસ્કૃતિના ભક્તોની વચ્ચે જઈને હિંમતથી બોલી શકશે, કે ઈંગ્લેન્ડ, ગ્રીસ અને રોમની તવારીખની જોડમાં બેસે તેવી ઘટનાઓ મારી ભૂમિ પર બનેલી છે. અને એટલા માટે મારાં નાનાં ભાંડુઓના અભ્યાસક્રમમાં હું એ પ્રતાપી ભૂતકાળનું સ્થાન માગું છું – દૈન્યની વાણીમાં નહિ, પણ ગળું ફેલાવીને, મારા હક્ક તરીકે માગું છું.