પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
98
સૌરાષ્ટ્રની સરધાર : 5
 



ગરદે મોર જીંગોરિયા,
મો’લ થડકે માઢ,
વરખારી રીત વ્રણ્ણવાં,
આયો ઘઘૂંબી આષાઢ.

[પહાડ પર મોર ટહુક્યા, મહેલો ને મેડીઓ. થરથરી ઊઠ્યાં. ગર્જના કરતો આષાઢ આવ્યો, એવી વર્ષાની ઋતુ હું વર્ણવું છું.]

એટલો દુહો ઉપાડતાં તો સાચેસાચ દરબારની માઢ મેડી થર ! થર ! કાંપવા લાગી. અને ‘આયો ઘઘૂંબી આષાઢ’ આટલા આખરી વેણની દોઢ્ય વાળીને ચારણે આષાઢને આલેખ્યો:

આષાઢ ઘઘૂંબી લૂંબીય અંબર
વદ્દળ બેવળ ચોવળિયં,
મહોલાર મહેલીય, લાડગેહેલીય,
નીર છલે ન ઝલે નળિયં,
અંદ્ર ગાજ અગાજ કરે ધર ઉપર
અંબ નયાં સર ઊભરિયાં,
અજમાલ નથુ તણ કુંવર આલણ,
સોય તણી રત સંભરિયા,
જીય સોય તણી રત સંભરિયાં,
મુને સોય તણી રત સંભરિયા.

[આષાઢ ગાજે છે. આકાશ લૂંબીઝુંબીને ઢળી પડ્યું છે. વાદળાં બેવડાં ને ચોવડાં થર બાંધી ગયાં છે. મહેલાતો જાણે કે લાડઘેલી થઈ ગઈ છે. નીર એટલાં છલકાય છે કે નળિયાંમાં ઝલાતાં નથી. ધરતી પર ઇંદ્ર ગાજ્યા જ કરે છે. સરોવરમાં નવાં પાણી ઊભરાયાં છે. તેવી ઋતુમાં, હે અજમાલ. નથુના પુત્ર આલણ, તું મને યાદ આવે છે.]

એમ ત્રણ-ત્રણ ને ચાર-ચાર પલટા ખવરાવી છેલ્લા ચરણનું કલેજું ચીરનારું સંભારણું ગળામાં વારંવાર ઘૂંટે છે. અને ચારણની વાણી પર ફિદા બનીને દરબાર પોરસા વાળો પડકાર આપે છે કે “વાહ વા ! વાહ વા, ગઢવા ! પ્રાણ વીંધી નાખ્યા ! હાં મારો ભાઈ ! હવે શ્રાવણ ભલે થઈ જાય !