પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચારણો જોડી કાઢ્યાં અને સરવે સાદે લલકારી કહ્યાં :

નાગ ! નિહાળી જોય, પોળાં મન પાથરીએ નહિ,
કાઠ ચડ્યાં નહિ કોય, (આ તો) ધંધે લાગ્યાં ધમળાઉત !

હે નાગ ! જરા ઊંડું નિહાળીને જો ! ગમે તેની ઉપર પ્રેમ પાથરીએ નહિ. તેં જેના ઉપર પ્રેમ પાથર્યો તે તો તારી ચિતા ઉપર ચડીને બળી મરવા ન આવી. એટલું જ નહિ, પણ હે ધમળના પુત્ર ! એ તો પોતાને ધંધે વળગી ગઇ-બીજે નાતરું કરીને ચાલી.

બાઇએ આ દુહો સાંભળ્યો-અક્ષરે અક્ષર સાંભળ્યો. સમજી ગઇ. બાકી હતું તે બધું યાદ આવ્યું. વેલ્યમાંથી નીચે ઊતરીને પાળિયા પાસે જઇ બેઠી. પોતાનાં નવાં સગાંને આખી કથની રડતાં રડતાં કહી સંભળાવી; ને પ્રીતમના પાળિયાની સમક્ષ ચિતા ખડકાવી એ જ શણગાર સોતી ને કપાળમાં એ મંગલ ચાંદલા સોતી આયરાણી ચિતા ઉપર ચડી ગઇ.

𓅨❀☘𓅨❀☘