પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ વાત બન્યા ને આશરે છ એક માસ થયા હશે. દરબારના દરિયાવ દિલમાં ઉપરની વાતનું ઓસાણ પણ નથી. એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા. હવાલદાર મહેમાનો સારું ખાટલા-ગોદડાં લેવા જગા પટેલને ત્યાં ગયો. પટેલે હા-ના કરવાથી હવાલદારે જગા પટેલને કાંઈ કડવું વચન કીધું. એટલે પટેલને રીસ ચડી. પોતે બોલ્યા કે ‘મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી.’

હવાલદારે પણ તોછડાઈથી કીધું કે ‘ત્યારે શીદને પડ્યો છો ? તને ક્યાંય બીજે મળતું નથી ? હાલ્યો જા ને !’

એટલે જગા પટેલ ને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા. દરબારને આ વાતની કશી ખબર પણ નથી. પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે, ત્યાં જગા પટેલ પોતાના બાળબચ્ચાં, રાચરચીલું અને ઢોરઢાંખર લઈ ગાડાં ભરી ડેલી પાસેથી નીકળ્યા. ગામનાં માણસો એમને વારવા-મનાવવા મંડ્યા, પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા. દરબારને ખબર પડી, એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઊતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખિજાઈને કહ્યું કે ‘દરબાર ! અમારી વહુઓ આણામાં બે સારાં ગોદડાં લાવી હોય છે તેય અમે વેઠે કાઢી દઈએ, અમે ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂઈ રહીએ, તોય તમારો ત્રણ દોકડાનો અમને હડબડાવે ! ફફડાવે ! એ અમને નથી પરવડતું.’

દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી. ઘણા દિલગીર થયા. હવાલદારને સજા કરી, અને પટેલને કહ્યું કે ‘બાપ ! તમે મારાં સોનાનાં ઝાડવાં છો. માફ કરો અને પાછા વળો.’

પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહિ. એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે ‘પટલ ! જાવ તો ભલે જાવ; પણ જે ધણી કેડનો ટેકો દઈને બાજરાનું ભરતિયું વળાવે, તેવો ધણી ગોતજો, હો !’

આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા. પણ આંહીં પટેલના હાડોહાડમાં ધ્રુજારો છૂટ્યો. પટેલથી કાંઈ બોલાયું નહિ. મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે ‘આનું નામ તે ધણી ! જે ધણીની મેં ચોરી કરી હતી, તે જ ધણી