પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.

કટારીનું કીર્તન


'રા'જકોટની રાજગાદી ઉપર મસ્તાના રાજા મેરામણજી રાજ કરે. એની જીભે અને લેખણે જાણે સરસ્વતી હાજરા હજૂર છે. કાવ્યકળાના તો પોતે સાગરઃ કચેરીમાં અમીર ઉમરાવો કરતાં પણ અદકાં આદરમાન કવિઓને આપે.પોતાની નાકડી રાજસભામાં પોતે ચારપાંચ કવિરત્નોને વસાવ્યાં હતાં: એક તો કવિ દુર્લભરામ વરસડા; બીજા જૈન જતિ જીવનવિજય; ત્રીજો જેસો લાંગો ચારણ; ચોથો પોલો ચારણ; અને પાંચમો એક બાવો. એ પાંચ અને છઠ્ઠા પોતેઃ છએ મળીને 'પ્રવીણસાગર'નો પ્રેમગ્રંથ લખ્યો.એ ગ્રંથમાં તો વ્યવહારનું ડહાપણમાત્ર વલોવી લીધું. શી કવિતા! શો વ્રજ ભાષાનો મરોડ! શી વિવિધ ભાત્યની વિદ્યા! અને શી વિજોગી નાયક-નાયિકાની હૈયાવીંધણ વાણી! ' પ્રવીણસાગર' રચીને તો કવિઓએ હાથ ધોઈ નાખ્યા છે.

એક દિવસ રાજકોટને પાદર આજીને કાંઠે એક બાવો આવ્યો; ધૂણી ચેતાવી. ધીરેધીરે માણસોનો ઘેરો થવા માંડ્યો. ગંજેડી-ભંગેડીઓ ગાંજો-ભાંગ પીબા ટોળે મળાવા માંડ્યા. રાખમાં રૂપિયા-પૈસા દાટીને બાવો ચમત્કારને નામે ચપટીમાંથી રૂપિયા કાઢવા લાગ્યો. નગરની ભોળી તેમ જ નટખટ નારીઓ દોરાધાગા કરાવવા આવતી થઈ. એક દિવસ એ બાવાએ રાજની બે વડારણોને શીખવ્યું: "તમારા પઠાણ જમાદારની નવી વહુ અને મેરામણજી ઠાકોરને હીણો વહેવાર છે એવી વાત ફેલાવો તો તમને ન્યાલ કરી આપું."

હલકી વડારણો લાલચમાં પડી ઠાકોરના માનીતા પઠાણ જમાદારના ઘરમાં જતી-આવતી થઈ ને કૂડી વાત ફેલાવવા લાગી. વાતો સાંભળીને પઠાણ જમાદારને ઝેર ચડવા લાગ્યું.

આ બાવો કોણ હતો? મૂળ સોની હતો. એની સ્ત્રીને પઠાણ જમાદારે