પૃષ્ઠ:Rasdhar 1.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પુરુષવેશે જ માથે રહીને પોતાના પુરુષાતનની ખોટની ખાતરી કરાવવાની હતી. હજુ છ મહિના નહોતા વીત્યા. વીકમસી પાવૈયાના ટોળા સાથે માગણી માગવા નીકળ્યો છે. જોગ માંડ્યા હશે તે આ ગામે જ એને આવવું થયું છે.

બેય જણાં સામસામાં ઓળખ્યાં. વીકમસીએ પણ ઘોડી રોકી. બેય નીચી નજરે ઊભાં રહ્યાં. સોનબાઇની આંખોમાંથી આંસુ ચાલવા લાગ્યાં. અંતે એના હોઠ ઊઘડ્યા: "આમ કરવું'તું?"

"તું સુખી છો?" વીકમસીથી વધુ કાંઇ ન બોલાયું.

"હું તો સુખી જ હતી. છતાં શું કામે મને રઝળાવી?"

"ત્યારે શું તારો ભવ બગાડું?"

"બગાડવામાં હવે શી બાકી રહી, આયર?"

આંસુભરી આંખે બેય જણાં ઊભાં છે. ખેતરને શેઢે લખમશી સાંતી હાંકતો હતો તે સાંતી ઊભું રાખીને આ બધું જોઈ રહ્યો છે. પોતાની સ્ત્રીને અજાણ્યા જણ સાથે ઊભેલી ભાળીને એની આંખો વહેમાતી હતી.

વીકમસીએ પૂછ્યું,"ભાત જા છો? તારું ખેતર ક્યાં છે?"

"આ જ મારું ખેતર."

"સાંતી હાંકે છે એ જ તારો ધણી?"

"હા, હવે તો એમ જ ને!"

"જો, તારો ધણી આંઇ જોઇ રહ્યો છે. ખિજાશે. તું હવે જા."

"જાઇશ તો ખરી જ ને! કહેવું તે ભલે કહે. પણ આયર...! આયર! તમે બહુ બગાડ્યું! સુખે સાથે રહી પ્રભુભજન કરત! પણ તમે મારો માળો વીંખ્યો. શું કહું?"

ચોધાર આંસુ ચાલી નીકળ્યાં છે. વેણે વેણે ગળું રૂંધાય છે. વીકમસીએ જવાબ વાળ્યો, "હવે થવાનું થઈ ગયું. વીસરવું."

"હા, સાચું વીસરવું! બીજું શું?"

આઘે આઘે પાવૈયાનું પેડું ઊભું રહીને વીકમસીની વાટ જુએ છે. ખેતરને શેઢેથી લખમશી જુએ છે.

"લે હવે, રામ રામ!"

સોનબાઇ અકળાઇ ગઈ. ઘોડીની લગામ ઝાલી લીધી. ઓશિયાળી