પૃષ્ઠ:Rasdhar 1.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ બધી હૂંફને પ્રતાપે જ મારું બલ ટકી શક્યું છે, અને પહેલા ભાગની આ બીજી આવૃત્તિને મેં નવી જ શૈલીએ ફરી વાર લખી કાઢી, જૂનાની ભસ્મમાંથી જાગેલા નવા અવતાર જેવી બનાવવા યત્ન કર્યો છે.

જૂની વાર્તાઓમાં વિગતવાર તો ઘણાં ફેરફારો કરી લીધા છે. પરંતુ તે ઉપરાંત એક મોટી ઊથલપાથલ કરવી જરૂરી લાગી છે: 'રાયસિંહજી' તથા 'રાવળ જામ ને જેસો વજીર' એ બન્ને વાર્તાઓ નિરર્થક તેમ જ આડંબરી જણાવાથી રદ કરી છે. 'લા ગોહિલ' તથા 'ગેમલજી ગોહિલ' તથા 'રા'નવધણ' આ પ્રથમ ભાગમાં એની મૂલ્ય-મર્યાદાને અંગે ન સમાઈ શકવાને લીધે રાખી લેવી પડી છે. એ બન્ને કથાઓ તો 'રસધાર:ધારા બીજી'ની જે નવી આવૃત્તિ આવી જ શૈલીએ લખાઈ રહી છે તેમાં દેવાશે. બીજાં જે પરચૂરણ કાવ્યો રહી ગયાં છે તેને પણ 'ધારા બીજી'માં ધરી દેશું.

સાત વર્ષની અંદર આ સંગ્રહોએ કેવળ લોકહ્રદયમાં જ નહિ પરંતુ શિષ્ટ સાહિત્યની દુનિયામાં, શિક્ષણની નવી રચાતી ચોપડીઓમાં, લેખકોનાં શૈલી-ઘડતરમાં તેમ જ વિચાર-ઘડતરમાં જે સ્થાન લીધું છે તેને, લેશમાત્ર અભિમાન કર્યા વિના, હું મારા જીવનની ઊંચી કમાઈ સમ લેખું છું અને નવું પ્રોત્સાહન પામું છું.


રાણપુર : વસંત પંચમી : સ૦ ૧૯૮૫
ઝ○ મે○
 

[છઠ્ઠી આવૃત્તિ]

આ કથાઓમાં આવતા દુહા-છંદોમાં કેટલીક ભૂલો અગાઉનાં મુદ્રણો વખતે શિથિલ પ્રૂફવાચનને કારણે ઉત્તરોત્તર દાખલ થઈ ગઈ હશે અને કેટલાક મૂળ પાઠો જ ક્ષતિવાળા હશે એ વાત તરફ ડિંગળી સાહિત્યના અભ્યાસી શ્રી રતુભાઈ રોહડિયાએ અમારું ધ્યાન દોર્યું અને આવી ભૂલો તારવી આપી. આ પછી પહેલાથી છેલ્લા પાના સુધીના તમામ કાવ્યાંશોની શુદ્ધિ તપાસી લેવાનું અને યોગ્ય ધાર્યું. શ્રી રતુભાઈ રોહડિયા ઉપરાંત શ્રી તખતદાન રોહડિયાએ સૂચવેલાં ક્ષતિઓ-પાઠાન્તરો