પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ

"તેદુ'ની વાતું હાલી આવે છે, ભાઈ ! અરધી સાચી ને અરધી ખોટી. હજાર વરસની જૂનિયું વાતું ! કોણ જાણે છે શી બાબત હશે !"

એટલું બોલીને એ બુઢ્ઢા માલધારીએ દિશાઓને છેડે મીટ માંડી. એક હજાર વર્ષ પહેલાંના અક્ષરો વાંચ્યા. થોડુંક હસ્યો. ડાંગને ટેકે ઊભાં ઊભાં એણે ચલમ સળગાવી. એની ધોળી દાઢીમાંથી ધુમાડા નીતરવા લાગ્યા. ગોટેગોટા ઊંચે ચડવા લાગ્યા. મેાં મલકાવી એણે કહ્યું:

"ઈ બધું આવું, ભાઈ ! આ ધુમાડા જેવું અમારા સોરઠમાં તો કૈંક ટાઢા પો'રના ગપાટા હાલે છે; પણ હું તો આ ઢાંકને ડુંગરે ડાંગને ટેકે લઈને જયારે ચલમ ચેતવું છું, ત્યારે મને તો ધૂંધળીનાથ-સિદ્ધનાથની જોડી જીવતીજાગતી લાગે છે. હજાર વરસ તે મારી અાંખના પલકારા જેટલાં જ બની જાય છે. આ ધૂંવાડાની ફૂંક જેવો ધૂંધળાવરણો ધૂંધળીનાથ અને આ આગની ઝાળ જેવો હેમવરણો રૂડો સિદ્ધનાથ હાજરાહજૂર લાગે છે."

"વાત તો કહો !"

"અરે વાત કેવી ? ઈ તો ટાઢા પો'રના ! બે ઘડી

ગપાટા હાંકીને ડોબાં ચારીએ. થોડીક રાત ખૂટે ! આ તો