પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૧૦૮


પનિહારી બોલી : “ લાધાભાઈ, એની કાંઈ જરૂર નથી. મારે ઘરે પ્રભુનો પરતાપ છે, તમે સ્હમ દીધા એટલે લાચાર; હું કમખો લાંસ, પણ એક વાતે. ખરા બપોર થ્યાસ એટલે શિરામણ કીધા વિના બીનને ઘરેથી ભૂછ્યા ના જવાય.”

લાધવે ઘણી આનાકાની કરી, પણ ખરા ભાવના આગ્રહ પાસે છટકનાર કોણ છે ? ધીમે ધીમે તેણે પોતાની ઘોડી જાસલની પાછળ હાંકી અને બહેનને ખોરડે આવ્યો. એની એાસરીની થાંભલીએ ઘોડીને બાંધી અને જાસલે ઓસરીમાં નાખી આપેલા ચાકળા ઉપર તે બેઠો.

જાસલની ઉમર આશરે વીસ વરસની હતી; એના અંગેઅંગમાંથી રૂપ નીતરતું હતું.

જાસલના પતિનું નામ ચારણ ધાનો ભેડો હતું. જાસલ એ ધાના ભેડાની નવી પરણેલી પત્ની હતી. પોતાની જૂની સ્ત્રી પુનસરીને પિસ્તાળીસ વર્ષ લગી કાંઈ છેારુ ન થયું ત્યારે ધાના ભેડાએ પુત્રની લાલસાએ બે વર્ષથી આ નવું લગ્ન કર્યું હતું અને બંને શોક્યો વચ્ચે સારો બનાવ ન રહેવાથી તેમને થોડે થોડે દૂર નેાખાં નોખાં ઘરોમાં રાખી હતી. ધાના મોટા ભાગે નવા ઘરનો અતિથિ હતો. પુનસરીને વિશેષ ઈર્ષ્યાનું કારણ આ પણ હતું. નસીબજોગે આજે ધાનો ઘેર નહોતો, કાંઈ કામે બહારગામ ગયો હતો.

જાસલે લીલાછમ રંગના, જાડા, બાજરાના બે રોટલા, તાંસળી ભરી દુધ, આગળ ગોળનું એક મોટું દડબું, અને ડુંગળીનું શાક, જે પહેલેથી તૈયાર હતાં તે પૂરે ભાવે પરોણાને પીરસ્યાં. લાધવો પણ પોતાનું પાગડું સાંગામાંચી ઉપર મૂકી, કોગળા કરી તથા પગ ધોઈ ઓરડામાં જમવા બેઠો.

બસ પુનસરીને જોઈતું હતું તેવું નિંદાનું કારણ મળી આવ્યું, “અલી એઈ, જો જો, એ લોંઠોં કુંણ સે ? એ કૂંણને